ગઈકાલે બોડેલીમાં થયેલ વૃદ્ધની હત્યામાં ચોંકાવનારી વિગત સામે આવી છે. જ્યાં નજીવી સિગારેટની તલબને લઇને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. નજીવી બાબતે હત્યા કરવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે બોડેલીના ઢોકલીયા ખાતે રહેતા વૃદ્ધ ભીખાભાઈ ચુનારાનું પણ ડભોઇ તાલુકાના મોરપુરા ગામના 19 વર્ષીય રુદ્ર બારીયાએ પ્લાસ્ટિકના હાથાવાળા કટર વડે ગળું કાપી હત્યા કરવાની ઘટના બની હતી.
સિગારેટની તલબે હત્યા કરાવી
બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં નિશાળ ફળિયામાં રહેતા 60 વર્ષીય ભીખાભાઈ મોહનભાઈ ચુનારા તેઓના ઘર પાસે બપોરના દોઢ વાગ્યે બેઠા હતા. ડભોઇ તાલુકાના મોરપુરા ગામનો યુવાન રુદ્ર બારીયા પોતાના મામાના ઘરે આવેલો હતો. ત્યાંથી યુવાન રુદ્ર બારીયા ભીખાભાઈ પાસે આવ્યો હતો અને તેઓ પાસે રૂ. 20 માગ્યા હતા. એટલે ભીખાભાઈએ રુદ્રના મોઢામાં સિગરેટ જોતા રુદ્ર બારીયાના મોઢામાંથી સિગરેટ કાઢીને ફેંકી દીધી હતી. ત્યારબાદ ભીખાભાઈએ રૂદ્રને રૂ. ૨૦ આપ્યા હતા. રુદ્રએ પૈસા લઈને ફરી સિગરેટ સળગાવી હતી. ત્યારે ભીખાભાઈએ ફરી યુવાનના મોઢામાંથી સિગરેટ ફેંકી દેતા સિગરેટની તલબ ધરાવતા રુદ્ર બારીયાએ ઉશ્કેરાઇને પોતાની પાસેની પેપર કટિંગની બ્લેડ વડે ભીખાભાઈને ગળાના ભાગે ઉપરા છાપરી 7 જેટલા ઘા ઝીંકી દેતા તેઓનું મોત થયું હતું.
રુદ્રનો યુવાનીનો સુવર્ણ સમય જેલમાં બરબાદ
હાલ તો આ 19 વર્ષીય રુદ્ર સિગારેટની તલબ જેવી કુટેવને કારણે ગુસ્સે થઈ વૃદ્ધની હત્યા કરી નાખી અને પોતાની યુવાનીનો સુવર્ણ સમય જેલમાં કાઢી બરબાદ કરી નાખ્યો હોય તેવું લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.