અંતે નિરાકરણ:છોટાઉદેપુરના કુસુમસાગર તળાવની રૂ. 18. 50 લાખના ખર્ચે સાફ સફાઈ થશે

છોટાઉદેપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરના કુસુમસાગર તળાવમાં સાફ સફાઈ કરાશે. - Divya Bhaskar
છોટાઉદેપુર નગરના કુસુમસાગર તળાવમાં સાફ સફાઈ કરાશે.
  • આશરે 6 વર્ષ પહેલાં તળાવની સાફ સફાઈ કરાવવામાં આવી હતી
  • રાજવી પરિવારે ભેટરૂપે આપેલ તળાવમાં વર્ષોથી નફ્ફટ વેલો અને ગંદકીનું સામ્રાજ્ય

છોટાઉદેપુર નગરમાં સ્ટેટ સમયથી રાજવી પરિવાર દ્વારા સુંદર કુસુમસાગર તળાવ બનાવવામાં આવ્યું હતું. જે રાજવી પરિવારે નગરને ભેટ સ્વરૂપે આપ્યું હતું. પાલિકા તંત્ર દ્વારા હાલ તેનો વહીવટ ચાલી રહ્યો છે. પરંતુ વર્ષોથી તળાવમાં નફ્ફટ વેલ તથા અતિશય ગંદકીના કારણે કુસુમસાગર તળાવની સાફ સફાઈ ન કરાવવામાં આવતા પ્રજાને ભારે દુર્ગંધ વેઠવી પડી રહી છે.

જે નગરની સમસ્યાની પ્રશ્ન નગરપાલિકા પ્રમુખના ધ્યાને આવતા પાલિકા દ્વારા રૂપિયા 18 લાખ 50 હજારના ખર્ચે તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવશે. 2 દિવસમાં ટેન્ડર ખોલવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું. તળાવમાં વર્ષોથી ઉગેલી વેલો તથા ગંદકી સાફ કરવા અંગે પાલિકા તંત્ર દ્વારા હૈયા ધારણ આપવામાં આવતી હતી. પરંતુ ગંદકી સાફ થતી ન હતી.

નગરમાં તળાવ કિનારે બેસવા તથા લટાર મારવા આવતા રહીશો પણ ભારે તકલીફ પડતી હતી. જે નગરનો ગંભીર પ્રશ્ન બન્યો હતો. પરંતું દૈનિક પેપરમાં આવેલ સમાચાર અને પ્રજાની સમસ્યાને જોતા પાલિકા તંત્ર દ્વારા વર્ષોથી ચાલતી આવેલી તળાવની સમસ્યાનો ઉકેલ લાવવા કામગીરી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નગરની અતિ મધ્યમાં આવેલ કુસુમસાગર તળાવની આશરે 6 વર્ષ પહેલાં સાફ સફાઈ કરાવવામાં આવી હતી. બોટ શરૂ કરી તળાવની અંદર ફુવારા મુકવામાં આવ્યા હતા. એ જ રીતે તળાવની સાફ સફાઈ કરવામાં આવે, તળાવમાં વેલાઓ ઉગે નહીં, ગંદકી થાય નહીં તથા પહેલાની જેમ સગવડો ઉભી કરવામાં આવે તેમ પ્રજા ઈચ્છી રહી છે.

2 દિવસમાં ટેન્ડર ખોલવામાં આવશે
વર્ષોથી પ્રજાની માગ અને નગરની સમસ્યાને ધ્યાને લઇ તેને પ્રાધાન્ય આપી હાલ રૂ. 18 લાખ 50 હજારના ખર્ચે તળાવની સાફ સફાઈ કરવામાં આવશે. જેનું ટેન્ડર 2 દિવસમાં ખોલવામાં આવશે. તળાવના બ્યુટીફીકેશનની કામગીરી અંગે આવતી સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવશે. > સંગ્રામસિંહ રાઠવા, નગરપાલિકા, પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...