ભાસ્કર વિશેષ:જિલ્લાના 3 સ્થળે 1528 લોકોએ બ્લોક હેલ્થ મેળાનો લાભ લીધો

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિનોરમાં 397, છોટાઉદેપુરમાં 579 અને ડેસરમાં 552 લાભાર્થીએ હેલ્થ મેળામાં સારવાર લીધી

શિનોરના મોટા ફોફળીયાના શ્રી સી.એ.પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળાનું આયોજન તા. 18 એપ્રિલના રોજ કરાયું હતું. જેમાં શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ અને સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોએ સેવા આપી હતી. આ બ્લોક હેલ્થ મેળામાં કુલ 397 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. ભરૂચના લોકસભા મત વિસ્તારના સાંસદ જિ.પં. અને તા.પં. પ્રમુખ અને જિલ્લા આરોગ્ય અધિકારીની પ્રેરક ઉપસ્થિતિ હતી.

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રના પટાંગણમાં સંસદસભ્ય ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં બ્લોક હેલ્થ મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં 579 લાભાર્થીઓએ લાભ લીધો હતો.છોટાઉદેપુરમાં યોજાયેલા બ્લોક હેલ્થ મેળામાં સાંસદ ગીતાબેન રાઠવાએ રાજય અને કેન્દ્રની વિવિધ કલ્યાણકારી યોજના અંગે વિગતે વાત કરતા જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતિ આવે અને લોકો વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓથી માહિતગાર થાય એ માટે મેળો યોજવામાં આવ્યો છે.

ડેસર તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 18 એપ્રિલે બ્લોક હેલ્થ ઓફિસ ડેસર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા વડોદરા દ્વારા આયુષ્માન ભારત હેલ્થ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારૂલ સેવાશ્રમ હોસ્પિટલથી અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાંથી નિષ્ણાત ડોક્ટરોની ટીમો લાભાર્થીઓની સેવા માટે ઉપસ્થિત રહી હતી. તાલુકામાંથી વિવિધ રોગોના 552 દર્દીઓએ બ્લોક હેલ્થ મેળાનો લાભ લીધો હતો. કેમ્પમાં સવારથી જ ડેસરના ગામે ગામના વિવિધ રોગોના દર્દીઓ ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...