દેશભરમાં ગરીબ લોકોને બળતણ માટે ચૂલાની જગ્યાએ ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર દ્વારા ઉજ્જવલા યોજના બનાવવામાં આવી છે. પરંતુ મોટાભાગના ગરીબ લોકો ગેસના બાટલા ભરાવવા માટે સક્ષમ નથી. ત્યારે સરકાર દ્વારા ગોબરધન યોજના અમલમાં મૂકાતા ગરીબ લોકોને ચૂલાથી છૂટકારો મળી શકે છે.
લોકો ગેસના બાટલા રિફીલ કરાવવા અસમર્થ
દેશમાં અસંખ્ય લોકો લાકડાં વડે ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા અને ખાસ કરીને મહિલાઓને તેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ ના થાય તે માટે સરકાર દ્વારા ઉજ્જવલા યોજના અમલમાં મૂકવામાં આવી છે. જરૂરીયાતમંદ લોકોને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. પરંતુ તેઓ ફરીથી ગેસનો બાટલો રિફીલ કરાવવા અસમર્થ છે. એક બાટલો રિફીલ કરાવવા મહિને 1200 રૂપિયા ખર્ચ થાય છે. છોટા ઉદેપુર જિલ્લામાં કેટલાય આવા પરિવારો છે કે જે ગેસના બાટલા ભરાવવામાં આર્થિક રીતે સક્ષમ નથી. હવે સરકારે અન્ય એક ગોબર ધન યોજના અમલમાં મૂકતા ઘણા પશુપાલન કરતાં લોકોને ફાયદો થઈ રહ્યો છે.
છોટા ઉદેપુરમાં 108 ગોબરધન પ્લાન્ટ કાર્યરત
છોટા ઉદેપુર જિલ્લામાં ગોબરધન યોજના હેઠળ 221 બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી 108 બાયોગેસ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જેમાં ગોગડીયા ગામમાં જ 17 જેટલા ઘરમાં પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. પ્લાન્ટ ઇન્સ્ટોલ થયાના 25 દિવસમાં જ ગેસ બનવાનું શરૂ થઇ ગયું છે.
ગોબરમાંથી ગેસનું ઉત્પાદન થતા ચૂલાથી છુટકારો
બાયોગેસમાં મોટેભાગે ગાય-ભેંસના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાન્ટમાં લાગેલા બલૂનમાં ગેસનો ભરાવો થાય છે. ગેસ ઉત્પન્ન થયા બાદ જે સ્લરી બહાર નીકળે છે તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શાકભાજી અને અનાજ પકવવા માટે પણ કરવામાં આવે છે.
ગામોમાં ઘન કચરાના નિકાલનો અનોખો ઉપાય
સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ગોબરધન યોજના થકી સ્વચ્છતાનો આશય તો છે જ તે સ્વચ્છ ઇંધણ પણ મળે છે. પશુઓના છાણમાંથી બનાવવામાં આવતા છાણાને સળગાવવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે જેનાથી પર્યાવરણ દૂષિત થાય છે. એ જ છાણનો બાયોગેસમાં ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે. તેમજ ખેતી માટે કાળા સોના તરીકે ઓળખાતું છાણિયું ખાતર પણ મળી રહે છે. જયારે ઘન કચરાનો નિકાલ પણ થઈ જાય છે.
37 હજારની સરકારી સબસિડી
2021માં કેન્દ્ર સરકાર દ્વારા ગોબરધન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે કુલ યુનિટ કોસ્ટ 42000 રૂપિયા થાય છે. પરંતુ સરકાર દ્વારા 37000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. લાભાર્થીએ માત્ર 5000 રૂપિયાનો લોકફાળો ભરવાનો થાય છે. પ્લાન્ટ બનાવવા માટે 6 ફુટ ઉંડો ખાડો કરવામાં આવે છે. આ ખાડો તૈયાર થઈ ગયા બાદ પ્લાસ્ટિકનું બલૂન અને બીજી અન્ય જરૂરી સામગ્રી ઇન્સ્ટોલ કરવામાં આવે છે. જે પ્લાસ્ટિકના બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે એનું મટિરિયલ હોટ એર બલૂનના મટિરિયલ જેટલું જ મજબૂત હોય છે. આ બલૂનને ઠંડી, ગરમી, વરસાદ કે આગથી પણ નુકસાન થતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.