મહા રસીકરણ અભિયાન:છોટાઉદેપુર જિલ્લામાં 1 લાખ લોકોનું રસીકરણ કરાશે : જિલ્લા કલેકટર

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહા રસીકરણ અભિયાન સવારે 4થી રાત્રીના 12 સુધી ચાલશે
  • જિલ્લામાં 5,66,982 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે તા.17મીએ સમગ્ર રાજયની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ મહા રસીકરણ અભિયાન હાથ ધરાશે. આ મહા રસીકરણ અભિયાન દરમિયાન એક લાખ લોકોનું રસીકરણ કરવામાં આવશે એમ જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે જણાવ્યું હતું. આજે જિલ્લામાં યોજાનારા મહા રસીકરણ અભિયાનને અનુલક્ષીને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત મીડીયા કર્મીઓને જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે, 2011ની વસતિ ગણતરી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાની વસતિ 10.71 લાખ જેટલી છે. જે પૈકી મતદાર યાદી પ્રમાણે 8,18,712 પુખ્ત વયના નાગરિકોનું રસીકરણ કરવાનું થાય છે.

જે પૈકી 5,66,982 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપીને 72.45 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા ડોઝ માટે લાયક 2,38,882 લાભાર્થીઓ પૈકી 1,96,922 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા સઘન પ્રયાસોને કારણે જિલ્લાના ડૂંગરાળ તેમજ અંતરિયાળ વિસ્તારના લોકોમાં પણ જાગૃતિ આવી હોવાને કારણે રસીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો છે. જિલ્લામાં રસીકરણ માટેની સેશન સાઇટ રાત્રે પણ કાર્યરત રહે છે એમ જણાવી તેમણે આજે યોજાનારા મહા રસીકરણ અભિયાન સવારે 4.00 કલાકથી મધ્યરાત્રીના 12.00 કલાક સુધી કાર્યરત રહેશે એમ જણાવ્યું હતું.

જિલ્લાની જે ગ્રામ પંચાયત વિસ્તારમાં રસીકરણ ઓછું થયું છે એમાં ગ્રામ સભા યોજી લોકોના પ્રશ્નો સાંભળવાની સાથે રસીકરણ પણ કરાય છે. તેમણે આગામી એક માસના સમય દરમિયાન જિલ્લાનું સો ટકા રસીકરણ કરાશે. એમ જણાવી તેમણે જિલ્લાના 892 પૈકી 357 ગામોનું સો ટકા રસીકરણ કરાયું હોવાનું જણાવી તેમણે મહા રસીકરણ અભિયાનમાં વધુમાં વધુ લોકો લાભ લે એ માટે સહકારની અપેક્ષા વ્યકત કરી હતી.

છોટાઉદેપુર પાલિકા સહિત 7 જગ્યાએ કાર્યક્રમ યોજાશે
સંખેડા | છોટાઉદેપુર નગરપાલિકા સહિત સહિત 7 જગ્યાએ કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાનના જન્મ દિવસે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના 2.0, સ્વચ્છ ભારત મિશન, 100 ટકા વેક્સિન થયેલ ગામના સરપંચોનું સન્માન સહિત મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના અસરકારક અને સુચારૂ અમલ માટે નોડલ અધિકારીઓની પણ નિમણુંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...