લઠ્ઠાકાંડનો પડઘો:કુકાવટીમાં 5થી વધુ દેશી દારૂના અડ્ડાઓ પર મહિલાઓનો હલ્લો

નસવાડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
લઠ્ઠાકાંડના ભયને લઈ કુકાવટી ગામે ચાલતા દેશી દારૂના અડ્ડા પર મહિલાઓએ તોડફોડ કરી દારૂનો નાશ કર્યો હતો. - Divya Bhaskar
લઠ્ઠાકાંડના ભયને લઈ કુકાવટી ગામે ચાલતા દેશી દારૂના અડ્ડા પર મહિલાઓએ તોડફોડ કરી દારૂનો નાશ કર્યો હતો.
  • ‘દારૂના અડ્ડા બંધ કરો’ની માગ સાથે તોડફોડ કરી
  • પોલીસને જાણ કરી તેની હાજરીમાં જ ગામલોકોએ વિવિધ સ્થળે રેડ પાડી

રાજ્યમાં અમદાવાદ, બોટાદ જિલ્લા લઠ્ઠાકાંડ થયા બાદ અસંખ્ય લોકો મોતને ભેટ્યા હતા. તેમાં અનેક મહિલાઓ વિધવા બની હતી. જેનો ડર નસવાડી તાલુકાના કુકાવટી ગામે પહોંચ્યો હતો. જ્યાં મહિલાઓએ રોષે ભરાઇને બંધ કરો બંધ કરો, દારૂના અડ્ડા બંધ કરો ના સૂત્રોચ્ચાર સાથે દેશી દારૂના 5થી વધુ અડ્ડા પર હલ્લો બોલાવ્યો હતો તેમજ દારૂનો નાશ કરાવ્યો હતો. કુકાવટી ગામે દેશી દારૂના અડ્ડા અશ્વિન નદીના કિનારે તેમજ ખેતરો નજીક ચાલુ છે.

જે સંદર્ભે મહિલાઓ સહિત ગ્રામજનો ટ્રેક્ટર ભરીને નસવાડી પોલીસ સ્ટેશને પહોંચી સરપંચની આગેવાનીમાં લેખિતમાં અરજી આપી હતી. તેઓએ પોલીસને રજૂઆત કરતાં નસવાડી પોલીસ કુકાવટી ગામે પહોંચી હતી. જ્યાં જમીનની અંદર સંતાડી રાખેલ દેશી દારૂનો વોશ ભરેલા પીપડા ગ્રામજનોએ પરાઈ મારી બહાર કાઢયા હતા અને તેનો નાશ કર્યો હતો. પોલીસની હાજરીમાં ગ્રામજનોએ દારૂ ભરેલ પીપડા જમીનમાંથી કાઢ્યા હતા.

આ ઘટનાનો વીડિયો ગામના જાગૃત યુવાનો ઉતારતા હતા ત્યારે પોલીસ તેમને વીડિયો ન બનાવો કેસ કરી દઈશું કહી વીડિયો ઉતારવાના બંધ કરાવ્યા હતા. જેને લઈ ગામની મહિલાઓ રોષે ભરાઈ હતી અને પોલીસને અમે અડ્ડા બતાવ્યા તોય અમને આ રીતે રોક્યા તે બરાબર નથી. લોકોએ પોલીસ સાથે ખેતરો, નદી તેમજ અન્ય મળી દારૂના 5થી વધુ અડ્ડા પર રેડ કરી મોટી માત્રામાં દારૂનો નાશ કર્યો હતો. નસવાડી પોલીસે દારૂનો નાશ કરી ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ અમારા ગામમાં હવે જોઇએ જ નહીં, પોલીસે કડક બનવાની જરૂર છે
અહીં પાણી કરતાં દારૂ વધુ મળે છે. કેટલી વિધવાઓને સરકાર સહાય આપશે? નસવાડી પોલીસને સાથે લઇ બધી મહિલાઓએ સંગઠન બનાવી દારૂના અડ્ડા પર રેડ કરી છે. 5 પીપડા દારૂનો નાશ કર્યો છે. સારા યુવાનો આ લતથી મરી ગયા છે. દારૂ અમારા ગામમાં હવે જોઈએ જ નહીં. પોલીસ કડક બને તો આ શક્ય બને. - લાડુબેન ભીલ, ગ્રામજન, કુકાવટી

અન્ય સમાચારો પણ છે...