આવેદન:નસવાડીમાં દારૂ, જુગારના અડ્ડા બંધ કરવા મહિલાઓ મેદાને આવી

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાની દસ ગ્રામ પંચાયતના ગામડામાં ચાલી રહેલ દારૂ, જુગાર, આંકડાના  અડ્ડા બંધ કરાવવા મામલતદારને આવેદનપત્ર અપાયુંહતું. - Divya Bhaskar
નસવાડી તાલુકાની દસ ગ્રામ પંચાયતના ગામડામાં ચાલી રહેલ દારૂ, જુગાર, આંકડાના અડ્ડા બંધ કરાવવા મામલતદારને આવેદનપત્ર અપાયુંહતું.
  • આદિવાસી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો
  • ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા મામલતદારને આવેદન અપાયું
  • જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવાનું સમાજે નક્કી કર્યું છે

નસવાડી તાલુકાના ગામડામા દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને જાણે કોઈને કઈ પડી ના હોય તેમ દારૂ બેફામ વેચાઈ રહ્યો હોવાની ઉગ્ર રજુઆત સાથે નસવાડીની દસ ગ્રામ પંચાયતના સરપંચો તેમના ગામમાં ચાલી રહેલા દારૂ, જુગાર, અકડાંના અડ્ડા બંધ કરાવવા નસવાડી મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. નસવાડી તાલુકાની સિંધીકુવા(રો), ચામેઠા, ધામસીયા, જેમલગઢ, પાલા, સાકળ(ત), ઝરખલી, ખાપરિયા, હરિપુરા(ન) અબાડા આ દસ ગ્રામ પંચાયતમા આવતા અંદાજીત 30 ગામડામા દારૂના અડ્ડાઓ ચાલે છે.

ક્યાંક ગામમા તો ક્યાંક કોતરો નજીક તો ખેતરોમા આ અડ્ડાઓ ચાલે છે. જેમાં જુગાર, આંકડાના પણ ખેલ ચાલી રહ્યા છે. અને આજનો યુવાન દારૂની લતે ચડી ગયો છે. આદિવાસી પરિવારો હેરાન થયા છે. ઘરોમા ઝઘડા થતા હોય, લગ્નના માંગા આવે તે પહેલા યુવાનો દારૂની લતે ચડ્યા હોઇ લોકો હેરાન થયા છે. જેને લઈ નસવાડી તાલુકાની દસ ગ્રામ પંચાયતના સરપંચો તેમના લેટર પેડ પર લખાણ લખી અને સાથે ઠરાવ કરી પાસા એક્ટની કલમો ટાંકી નિયમો લખીને નસવાડી મામલતદારને 7 મુદ્દા સાથે લેખીતમા આવેદનપત્ર આપ્યું છે.

જેમાં આદિવાસી યુવા સંગઠનના યુવાનો વડિલો જોડાયા હતા. અને આ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાનું સમાજે નક્કી કર્યું છે. આવેદનપત્ર આપવા આવેલ આદિવાસી મહિલા સરપંચ બંધ કરો બંધ કરો દારૂના અડ્ડા બંધ કરોના સુત્રોચાર કરી વાતાવરણને ગજવ્યું હતું.

આદિવાસી સંગઠનો સરપંચોને મદદરૂપ બનશે
કાયદો વ્યવસ્થાની સ્થતી બગડે છે. ગામડામા દારૂના અકડાંના અડ્ડા ચાલે છે. તે બંધ થવા જોઈએ તે સાથે આવેદનપત્ર આપ્યું છે. આદિવાસી સંગઠનો સરપંચોને મદદરૂપ બનશે. કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરી દારૂની બદી બંધ કરાવીશું. - ટીનાભાઈ રાઠવા, આદિવાસી આગેવાન, જામલી

દારૂ, આંકડાના અડ્ડા બંધ કરવા અમારા ગામની તમામ બહેનોની માગ
દારૂના દુષણને લઈ સમાજ પાછળ જઈ રહ્યો છે. આજે ટેકનોલોજીના યુગમા અમે આ બધું જોઈએ તો દુઃખ થાય છે. હું નારી શક્તિ બની મહિલાઓ સાથે જોડાઈ છું. આજે યુવાનો નોકરીની જગ્યાએ દારૂના લતે ચડ્યા છે. દારૂ આંકડા બંધ થવા જોઈએ એવી અમારી સૌ બહેનો વતી મારી માંગ છે. - સરલાબેન અશ્વિનભાઈ ભીલ , પોચબા

અમારી ગ્રામ પંચાયત પૂરતો દારૂ વેચવા પર 5.51 લાખનો દંડ રાખ્યો છે
દારૂ કોઈપણ પક્ષ વહેચે તો અમે પકડીશું. ચૂંટણીમા દારૂ જોઈએ જ નહીં. આજે સમાજ આગળ આવે માટે અમે પ્રયાસ કરીશું. અમે અમારી ગ્રામ પંચાયત પૂરતો 5.51 લાખનો દંડ રાખ્યો છે. જેનો અમલ કરીશું. - ભાવિકાબેન ભરતભાઈ ભીલ , સરપંચ સિંધીકુવા(રો)

દારૂના અડ્ડા બંધ કરવા પોલીસમાં અરજી આપતા મારી સાથે ઝઘડો થયો હતો
પોલીસ હપ્તા લેતી હોય તેવું દારૂના અડ્ડાવાળા કહે છે. મેં દારૂના અડા બંધ કરાવવા અરજી આપી હતી. તો મારી જોડે ઝઘડો થયો હતો. ગાંધીના ગુજરાતમા દારૂ બધી છે. પણ અમારા ગામડામા દારૂ બિન્દાસ્ત મળે છે. કાર્યવાહી પોલીસ કરે પણ ફક્ત નામ પૂરતી કરે છે. એની પાછળ રહી કાયમી પ્રશ્ન હલ કરે તે જરૂરી છે. - ગીરીશભાઈ ભીલ, ગ્રામજન, જેમલગઢ

અન્ય સમાચારો પણ છે...