છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નલ સે જલ યોજનાના ઘરે ઘર નળ બેસાડ્યાં છે. જેમાં પાણી પુરવઠાનુ પાણી જે તે ગામના સંપ સુધી પહોંચે છે. તે ગામમાં ઘરે ઘર નળમાં પાણી પહોંચાડવા માટેની જવાબદારી જે તે ગ્રામ પંચાયતની છે. પરંતુ ગ્રામ પંચાયત પાણી છોડવા અને તેની દેખરેખ માટે પગારથી માણસ પણ રાખતી ન હોઇ ગામના ઘરોના નળમાં પાણી આવતા નથી.
જેથી જે તે ગામના લોકો પાણી માટે હેરાન થાય છે. એવા જ ખુશાલપુરા ગામે ઘરના નળમાં પાણી ન આવતાં જેમાં ગ્રામ પંચાયતે ધ્યાન ન આપતાં આખરે છોટાઉદેપુર વાસ્મોના યુનિટ મેનેજરે જાતે રસ લઈ ખુશાલપુરા ગામે પાઈપ લાઈન લીકેજ તેમજ અન્ય કામગીરી કરાવી હતી. જેથી ખુશાલપુરા ગામે ઘર સુધી પાણી પહોંચ્યું હતું.
ગ્રામ પંચાયત હાલ ઉનાળા પૂરતી ગામમાં પાણીની વ્યવસ્થા બાબતે ધ્યાન આપે તો ઘરના નળ સુધી પાણી પહોંચે તેમ છે. હાલ તો ખુશાલપુરાના ગ્રામજનો ઘરે મૂકેલ નળમાં પાણી આવતાં ખુશ થયા છે અને વાસ્મો વિભાગનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે, નલ સે જલ યોજનાના નળ ઘરે ઘર મુકાયા છે. જે યોજના હવે ગામમાં આવી ગઈ હોઇ ગ્રામ પંચાયત પણ 15મા નાણાંપંચમાં મેન્ટેનન્સનો ખર્ચ કરે તોય લોકોના ઘર સુધી પાણી સમયસર પહોંચે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.