નસવાડી તાલુકાના ખેડૂતોને નર્મદા કેનાલનું કિંમતી પાણી જોઈએ છે પણ મળતું નથી. નર્મદા નિગમના બેજવાબદાર અધિકારીઓ કેનાલના પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય ત્યાં સુધી ધ્યાન આપતા ન હોય તેવી વાત બહાર આવી છે. અલવા માઇનોર કેનાલમાં પાણી છોડ્યા બાદ ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચતું નથી. પરંતુ કંકુવાસણ ગામના રહેણાંક મકાન સુધી પાણી પહોંચ્યું હોઇ ગ્રામજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
કંકુવાસણ ગામના રોડની બાજુના ફળિયાના પાંચ મકાન સુધી પાણી પહોંચ્યું હતું. જેમાં વર્ષો જૂના અલવા માઈનોર કેનાલના લીકેજ કૂવામાંથી પાણી બહાર આવે છે. અને તે પાણી કૂવાની બાજુમાંથી નીકળી ખેતરમાં રહી રહેણાંક મકાન સુધી આવે છે. મહિલાઓ હેન્ડપંપમાંથી પાણી ભરે છે.
તે પાણીમાં કેનાલનું પાણી ભળી જતાં પાણી પણ ડહોળું થઈ જવાનું સ્થાનિક મહિલાઓ જણાવે છે હવે જમવાનું બનવાનું કઈ રીતે તેમ જણાવી રોષ વ્યક્ત કરી રહ્યા છે. ચોમાસામાં પાણી ઘરોની આજુબાજુ ભરાય અને શિયાળામાં લીકેજ કેનાલના પાણી ભરાય તો જવાનું ક્યાં તેવો પ્રશ્ન ગ્રામજનો કરી રહ્યા છે.
નવી કેનાલો બનાવાય તે જરૂરી
કૂવા લીકેજ હોઇ પાણી નીકળે અને દુઃખ અમે ભોગવીએ. સરકાર આ બાબતે ધ્યાન આપી કેનાલનું કામ કરાવે તે જરૂરી છે. અધિકારીઓ કોઈ જોવા આવતા નથી અમે જ હેરાન છીએ. પાણી ઘરો આગળ ભરાતાં હવે મચ્છરોનો ત્રાસ વધશે. કોને કહેવા જવાનું. હેન્ડપંપનું પાણી પણ ડહોળું થઈ ગયું છે. એકવાર વ્યવસ્થિત કેનાલો બનાવાય તો સારું. > લીલાબેન ભીલ, ગ્રામજન, કંકુવાસણ ગામ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.