ખેડૂતોમાં રોષ:ભગવાનપુરા કેનાલના પાણી ખેતરમાં ઘૂસતાં મકાઇના તૈયાર પાકને જોખમ

નસવાડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીધીકુવામાં મકાઇને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં રોષ
  • ખેડૂતો હેરાન છતાં કોઇ કાર્યવાહી નહીં, તંત્ર ગંભીર બને તેવી માગ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી પસાર થતી બ્રાન્ચ કેનાલ માઈનોર કેનાલ અને અન્ડર ગ્રાઉન્ડ કેનાલ આ તમામ નર્મદા નિગમની દેખરેખમાં આવતી કેનાલ છે. તિલકવાડા, કેવડિયા, ડભોઈ આ ત્રણ ગામમા નર્મદા નિગમની ઓફિસ આવેલી છે. દરરોજ નર્મદા નિગમને લગતા પ્રશ્નો ઉભા થાય છે. પરંતુ કોઇને કંઇ પડી નથી તેમ કોઈ નર્મદા નિગમના અધિકારીઓ ખેડૂતોના પ્રશ્નો જોવા કે હલ કરવા આવતા નથી.

નસવાડી નજીક આવેલ ભગવાનપુરા માઈનોર કેનાલમાં પાણી છોડાયા બાદ પાણી એટલી મોટી માત્રામાં છોડાયું કે સીધીકુવા ગામના ખેડૂતોના ઉભા મકાઈના ખેતરમાંથી સીધું પાણી ઉભરાઈને કોતરો મારફતે અન્ય ખેતરોમાં ભરાઈને રોડ સુધી પહોંચ્યું હતું. મકાઈનો ઊભો પાક હજુ તૈયાર થાય તે પહેલાં પાક પાણીમાં ડૂબ્યા હોવાના દૃશ્યો જોઈ ખેડૂતો દુઃખી બન્યા હતા. નર્મદા નિગમના કોઈ અધિકારીઓ જોવા આવતા ન હોઇ ખેડૂતો હેરાન છે.

જેમને પાણી જોઈએ તેમને મળતું નથી. જે ખેડૂત ખેતીમાં મહેનત કરી બેઠો થાય અને માંડ પાક તૈયાર કરે છે ત્યારે ખેતરો આમ પાણીના તળાવ બની જાય તો આ નુકસાન કેવી રીતે સહન થાય. છોટાઉદેપુર જિલ્લા કલેકટર પણ આ બાબતે નર્મદા નિગમ સામે કડક કાર્યવાહી કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

ફોન કરીએ તોય કોઇ અધિકારી ફોન નથી ઉઠાવતા
નર્મદા નિગમના સાહેબો કોઈ જોવા આવતા નથી. ફોન નથી ઉઠાવતા. આ ખેતરો તળાવ જેવા બન્યા છે. નુકસાન ખેડૂતોને થાય છે, અધિકારીઓને શું ફેર પડે? અમારું મન જાણે કેટલી મોંઘવારી છે. અમારી ખેડૂતોની વ્યથા સાંભળીને એમની સામે કાર્યવાહી કરવી જોઇએ. અમે બધા આવું નુકસાન કેવી રીતે સહન કરી શકીએ. > વિપિનભાઈ બચુભાઈ ભીલ, ખેડૂત, સીધીકુવા(ન)

અવાર નવાર માઇનોર, અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઈનના પ્રશ્નો ઉઠ્યા છે
ખેડૂતને પાણી મળતું નથી. પાણી કેનાલમાં ઉભરાઇ અન્ડર ગ્રાઉન્ડ લાઇનો લીકેજ થવા જેવા અનેક પ્રશ્ન ખેડૂતોના ઉઠ્યા હતા. પણ નર્મદા નિગમ નસવાડી તાલુકાના ખેડૂતોને પૂછવા આવ્યું નથી. ત્યારે તંત્ર સામે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...