છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 212 ગામડા છે. નસવાડી તાલુકો સંખેડા 139 વિધાનસભા મત વિસ્તારમાં આવે છે. અંદાજિત 2.70 લાખથી વધુ મતદારો નોંધાયેલ છે. ત્યારે હાલ એકબાજુ વિધાનસભાની ચૂંટણીને લઈ ઉમેદવાર જાહેર થઈ ગયા છે અને સંખેડા વિધાનસભાના કેટલાક ઉમેદવાર તો ઉમેદવારી ફોર્મ ભરી ગામડાઓમાં પ્રચારમાં પણ લાગી ગયા છે.પરંતુ નસવાડી તાલુકાના ગામડાઓ હાલ મતદારો વગર સુમસામ ભાસી રહ્યા છે.
નસવાડી તાલુકામાં સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો છે. દિવાળી પહેલાં સૌરાષ્ટ્રમાં કપાસની આવક શરૂ થતાં નસવાડી તાલુકાના ગામે ગામમાંથી હજારો આદિવાસી લોકો તેમના બાળકો સાથે મજૂરી કામ માટે સૌરાષ્ટ્ર રવાના થયા છે. એકબાજુ ચૂંટણીના પ્રચારને લઈ ઉમેદવાર ગામડાઓમાં જાય છે ત્યારે મતદારોને ભેગા કરવા પણ મુશ્કેલ બન્યા છે. કેટલાય ગામોમાં તો ફક્ત વૃદ્ધ લોકો ઘર સાચવી બેસી રહ્યા છે. પાંચ વર્ષે મત લેવા જતા નેતાઓ હાલ ગામડાઓ ખાલી હોઇ અને ઘર પર તાળા લટકતા હોઇ ઉમેદવાર પણ મૂઝવણમાં મૂકાયા છે.
મતદારો મતદાન કરવા ન આવે તો ટકાવારી પર મોટી અસર વર્તાશે
સરપંચની ચૂંટણીમાં એક એક મતની કિંમત હોઇ તેને લઈ સરપંચો મતદારોને છેલ્લા દિવસે બોલાવે છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને ઉમેદવાર બોલાવે નહીં તો મતદાનની ટકાવારી પર અસર દેખાશે.
રોજગારી અહીંનો મોટો પ્રશ્ન છે, હજારો લોકો મજૂરી કરવા બહાર ગયા છે
મોંઘવારી અને રોજગાર અહીંનો સૌથી મોટો પ્રશ્ન છે. સિંચાઈની સુવિધાઓ નથી. મારા ભણેલા મિત્રો હમણાં સૌરાષ્ટ્ર જઈ કપાસ વીણી રહ્યા છે. મોટા ભાગના ગામડાઓ ખાલીખમ છે. મજૂરી માટે સૌરાષ્ટ્ર ગયા છે. પહેલાં સો બસો લોકો જતા હતા. હવે હજારો લોકો મજૂરી કરવા જાય છે. જે ચિતાનો વિષય છે. - યોગેશ રાઠવા, સામાજિક કાર્યકર, નસવાડી .
મારાં છોકરા અને ફળિયાના બધા જ ઘરોમાંથી લોકો મજૂરી માટે ગયા છે
મજૂરી કરીએ તો જીવી શકીએ. જેને લઈ બધા મજૂરી કરવા સૌરાષ્ટ્ર બાજુ ગયા છે. અમે ઘેર છે. ચૂંટણી આવી રહી છે. કોણ ઉભું છે ખબર નહીં. પણ મત લેવા આવશે તો આ બધા ઘર બંધ હશે. - કાળુભાઈ નાયકા, બરોલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.