છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના હરખોડથી કુંડા અને ગનીયાબારીથી સાકડીબારી, ચાવરીયા ગામના આઝાદીના વર્ષો બાદ પણ પાકા બન્યા નથી. દર ચોમાસામાં આ ગામના ગ્રામજનો 18મી સદીમાં જીવતા હોય તેવા દ્રશ્યો સર્જાય છે. હાલમાં સરકાર દ્વારા 32 કરોડના ખર્ચે આ ગામમાં પાકા રસ્તા બનાવવાના ટેન્ડરો બહાર પાડ્યા ટેન્ડરો જેતે એજન્સીઓએ ભર્યા પરતું આજે એક માસથી વધુના દિવસો થઈ ગયા છે, છતાંય જિલ્લા પંચાયત આર એન્ડ બી હજુ ટેન્ડરો ખોલ્યાં નથી.
જેને લઈ ડુંગર વિસ્તારના હરખોડથી કુંડા જવાનો કાચો રોડ વરસાદ બાદ એકદમ કીચડવાળો થયો છે. 8 દિવસે જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા ગામના લોકો ખાનગી જીપમાં બહાર આવવાનો પ્રયાસ કરે છે. પરંતુ કાચા રોડ વ્યવસ્થિત ન હોય ગ્રામજનો જીપને કેટલીય જગ્યાએ ધક્કા મારી બહાર લાવે છે.
ભાજપના નેતાઓ ડુંગર વિસ્તારના કામો મંજૂર થયા હવે રોડ બનશેનું ગામડાના લોકોને જણાવે છે. જિલ્લા પંચાયત આર એન્ડ બી વિભાગ ટેન્ડરો ખોલ્યા ન હોય તે બાબતે કોઈ ધ્યાન આપતું ન હોય ગ્રામજનો હાલમાં હાલાકી ભોગવે છે. ટેન્ડરો ખુલી જાય તો જેતે એજન્સીઓ હાલ પૂરતો રસ્તો વ્યવસ્થિત કરવા તો આવે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. છોટાઉદેપુર કલેકટર, ડીડીઓઆ બાબતે ધ્યાન આપી ડુંગર વિસ્તારના કાચા રસ્તા પર દુઃખ ભોગવતા ગ્રામજનોનો પ્રશ્ન હલ કરે તેવી માગ ઊઠી છે.
ડુંગર વિસ્તારના 32 કરોડના ટે્ડરો ભર્યાને મહિનો થયો
ડુંગર વિસ્તારના 32 કરોડના ટેન્ડરો ઓનલાઈન ભર્યાના એક માસ થયો છે. જેમાં એકતા, રોયલ, શિવાલય, વીએસ શાહ, અંબિકા જેવી એજન્સીઓ કરોડોની ડિપોઝિટ ભરી ટેન્ડરો ભર્યા છે. પરંતુ પ્રાયમરી બીડ ખુલ્યા બાદ હજુ ટેન્ડરો પૂર્ણ રીતે ખૂલ્યા ન હોય ડુંગર વિસ્તારના કામો મંજૂર થયા બાદ પણ અટકી પડ્યા છે.માટે જવાબદાર કોણ ?
કાચા રસ્તે જીપોને ગામડામાંથી બહાર આવવા ધક્કા મારવા પડે છે
વર્ષો પછી જે ટેન્ડરો મંજૂર થયા તે હજુ ખોલ્યા નથી. આ બાબતે હું બેઠકમાં ડીડીઓને રજૂઆત કરીશ. હમણાં આદિવાસી લોકો કેટલું દુઃખ ભોગવે છે. જીપોને ગામડામાંથી બહાર આવવા ધક્કા મારવા પડે તો સગર્ભા બહેનોને આ કાચા રસ્તે કઈ રીતે બહાર લાવે તે મોટો પ્રશ્ન છે. ટેન્ડરો ખોલે તો એજન્સીઓ કામ કરે. > મુકેશભાઈ ભીલ, જિલ્લા સદસ્ય, બેઠક, વઘાચ
કાચા રસ્તા છે, જેસીબીથી રસ્તા વ્યવસ્થિત કરાય તો સારું રહે
9 કિમી કાચા રસ્તા છે. વર્ષો થી દુઃખ ભોગવીએ છે. મીડિયામાં અમે ન આપીએ ત્યાં સુધી કશું થતું નથી. જેસીબી મોકલી વ્યવસ્થિત રસ્તા કરાય તેવી અમારી માગ છે. રસ્તા વર્ષો પછી મંજૂર થયા નેતાઓ કહે છે પણ કોઈ કામ કરવા આવ્યું નથી. પગપાળા જ બધુ જીવન જીવીએ છે. બહુ તકલીફ છે. તંત્ર ધ્યાન આપે તો સારું.> ભરતભાઈ ભીલ, ગ્રામજન, હરખોડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.