મુશ્કેલી:સાઢીયામાં ગ્રામજનો-1500 પશુને પાણીની સમસ્યા

નસવાડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં પાણીના જળસ્તર ઊંડા ગયા હોવાથી ફક્ત બે હેન્ડપંપ ચાલુ હાલતમાં
  • હેન્ડપંપ ડચકા ખાતા હોવાથી મહિલાઓને પાણી માટે ભટકવાનો વારો

નસવાડી તાલુકામાં ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે. તેવામાં ગામડામાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઇ છે. સરકાર દ્વારા ગામે ગામ બોર, મોટર, હેન્ડપંપ, ટાકીઓ મુકાઈ છે. પરંતુ ઉનાળો આવતા જ બધી જ પોલ ખુલી જાય છે. વર્ષે કરોડો રૂપિયા ફક્ત પાણીના કામ માટે ફળવાય છે. પરંતુ તાલુકા સ્તરેથી સચોટ આયોજન ના થતું હોવાથી પાણીની સમસ્યાનો હલ થતો જ નથી. ગામડામાં થ્રી ફેજ મોટરના ઊંડા બોર અને 600થી 700 ફૂટ ઊંડા બોરનું આયોજન, પ્લાન એસ્ટીમેન્ટમાં કરાય તો ગ્રામ્ય વિસ્તારમાં પાણીના પ્રશ્નો હલ થાય તેમ છે. 

નજીકમાંથી પાણી પુરવઠા લાઈન જાય છે
નસવાડીના સાઢીયા ગામે દસ હેન્ડપંપ બંધ પડ્યા છે. પાણીના જળસ્ત્રર ઊંડા ગયા હોય ફક્ત બે હેન્ડપંપ ચાલે છે. પશુની સંખ્યા 1500થી વધુ હોય પશુ માટે પાણીના હવાળા ખાલી હોવાથી ભારે  મુશ્કેલી સર્જાય છે. રાતના હેન્ડપંપમાં પાણી લેવા મહિલાઓ લાઈનો લગાવે છે. છતાંય પાણી પૂરું થતું નથી અને ખૂટી જાય છે. જેને લઈ મહિલાઓ રઝળપાટ કરે છે. નજીકમાંથી પાણી પુરવઠા લાઈન જાય છે. છતાંય ગામને લાભ મળ્યો નથી. પોચબા ગ્રામ પંચાયત તલાટી સરપંચને આ બાબતે રજુઆત કરાઈ છે. છતાંય ધ્યાન આપતા નથી. 

અન્ય સમાચારો પણ છે...