રોષ:ઓર્ગેનિક ખાતરમાં નીકળેલા કાંકરાને લઈ ક્વોલિટી વિભાગ સક્રિય બન્યું

નસવાડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 40 કિલો ખાતરની થેલીમાંથી પથ્થરના કાંકર નીકળતાં રોષ
  • ગાંધીનગરની ઓર્ગેનિક લેબમાં અલગ અલગ બ્રાન્ડના ખાતરના સેમ્પલ મોકલાશે

નસવાડી તાલુકાના ગામડાઓમાં ડીગ્રી વગરના દસ ધોરણ પાસ બેરોજગારો ખાનગી કંપનીના ખાતર અને દવા વેચવા જાય છે. જેમાં કંકુવાસણ ગામે વ્યારા ગામે ઇન્ડો ગુજરાત ફર્ટિલાઈઝર નામની ખાનગી કંપની ઓર્ગેનિક ખાતર બનાવે છે. તે કંપનીના પગાર પર રાખેલા કર્મચારીઓ ખેડૂતોને તમારો કપાસનો પાક 45 દિવસની અંદર સારી ઉંચાઈ ધરાવતો તેમજ કપાસના ઝીડવા પણ જલ્દી આવશે તેવી સમજ આપી ખાતર વેચાણ કરતા હતા. ગામડે ગામડે રૂા.650 થી 850 એક થેલીના ભાવ લઈ આ કર્મચારીઓએ ખાતરનું વેચાણ કર્યું હતું.

કંકુવાસણમાં આ ખાતર કેટલાક ખેડૂતોએ લીધેલ. આ ખાતરની થેલીમાં 40 કિલો વજન હોય. પરંતુ ખેડૂતોને શંકા થઇ. થેલી તોલતાં વજન પૂરું હતું પણ પછી ખોલતાં તેમાં ઓર્ગેનિક ખાતર સાથે પથ્થરના કાંકરા પણ નીકળ્યા હતા. તેમજ કેટલાક ખેડૂતોએ આ ખાતર ખેતરમાં નાખ્યા બાદ કોઈ રિઝલ્ટ મળેલ ન હતું. ખેડૂતોએ ખાતરને લઈ ફરિયાદ કરેલ અને ખાતરમાંથી પથ્થરના ટુકડા નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ ખાતરની ગુણવત્તા યોગ્ય નથી તેમ કહ્યું હતું. ખેડૂતો છેતરાતાં ગામડાઓમાં કોઈપણ જાતની ડીગ્રી કે લાઈસન્સ વગર ફેરિયાની જેમ ખાતર વેચવા ફરતા કર્મચારીઓને તેમણે નસવાડી પોલીસને સોંપ્યા હતા.

નસવાડી પોલીસે કાયદેસરની કાર્યવાહીમાં ખેડૂતોના જવાબ લઇને ખેતીવાડી નિયામક ક્વોલિટી વિભાગને જાણ કરી. જેને લઈ ક્વોલિટી વિભાગે નસવાડી પોલીસ સ્ટેશનમાં આવીને ખાતર વેચનારાઓના જવાબ લઈ તેમજ ખાતર બનાવનાર કંપનીના કેટલાક માણસો નસવાડી આવ્યા હોઇ તેમના પણ ડોક્યુમેન્ટની ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ખાતરની બેગમાંથી નીકળેલા કાંકરા કાળા હોય. ખેડૂતોને પોલીસ તેમજ ખેતીવાડી વિભાગ પાસે ન્યાયની આશા જાગી છે.

અમને ન્યાય મળે તેવી આશા રાખીએ છીએ
ઓર્ગેનિક ખાતર છે. રિઝલ્ટ ન મળતાં અને ખાતરમાં કાંકરા નીકળ્યા હોઇ અમે ખેડૂતોએ આ બાબતે કાર્યવાહી કરવા માંગ કરી છે. જોઈએ હવે પોલીસ, ખેતીવાડી વિભાગ આ બાબતે ભીનું સકેલે છે કે ન્યાય અપાવે છે. > દિનેશભાઈ ભીલ, ખેડૂત

વાડકીમાં મૂકેલ ખાતર 20 કલાકે પણ ઓગળ્યું ન હોઇ ખાતરની ગુણવત્તા પર પ્રશ્નો
ખાતર જમીન પર નાખતાં ભેજવાળી જમીનમાં બે ચાર કલાકમાં ખાતર ઓગળી જતું હોય છે. ત્યારે ઓર્ગેનિક ખાતરની ખેડૂતોને જે થેલી આપવામાં આવી હતી તે ખાતર પાણી ભરેલ વાડકીમાં નસવાડી પોલીસ સ્ટેશનમાં મૂક્યું હતું. 20 કલાકે પણ તે ન ઓગળતાં ખાતરની ગુણવત્તા પર પ્રશ્ન ઉભો થયો છે.

હવે ઓર્ગેનિક લેબમાં ખાતરના સેમ્પલ મોકલી આપીશું
ખાતરમાં કાકરા નીકળ્યા છે. તે અલગ અલગ બેગમાંથી અને પેક બેગમાંથી સેમ્પલ લીધા છે. ગાંધીનગર ઓર્ગેનિક લેબમાં મોકલી આની તપાસ કરાશે. આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. > વિપુલ ભાઈ પરમાર, નાયબ ખેતીવાડી નિયામક, ક્વોલિટી વિભાગ, છોટાઉદેપુર

અન્ય સમાચારો પણ છે...