હાલાકી:લિંડા મોડલ સ્કૂલની બસ પંચર થતાં 60 છાત્રો 3 કલાક સ્કૂલની બહાર બેસી રહ્યાં

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકાના ગામડાઓમાં આદિવાસી વિસ્તારના બાળકો મોટા ભાગે અભણ છે. ત્યારે ગુજરાત સરકારના ટ્રાયબલ વિભાગ દ્વારા ટ્રાયબલ યોજના થકી ચાલી રહેલ મોડલ સ્કૂલોમાં આદિવાસી બાળકોને અભ્યાસ માટે ગામડામાંથી મોડલ સ્કૂલમાં લઇ જવાય છે. આ બાળકોને લઈ જવા અને ઘરે મૂકવા માટે એસ ટી બસ ડભોઇ, બોડેલી, છોટાઉદેપુરની ચાલી રહી છે.

છ રૂટની એસ ટી બસમાં સોમવારે સાંજના ભાખા રૂટની બસનું ટાયર પંચર થતાં તે બસના 60 વિદ્યાર્થીઓ રઝળ્યા હતા. 3 વાગે પરીક્ષા પૂર્ણ થાય છે. છતાંય એસ ટી ની બેજવાબદારીને લઈ સાંજના 4 થી 7 સુધી એસ ટી બસ ના હોઇ બેસી રહ્યા હતા. આખરે સેગપુર રૂટની બસ પરત આવીને ભાખા રૂટના વિદ્યાર્થીઓને મુકવા ગઈ હતી. આદિવાસી વિદ્યાર્થીઓ ને ભણવું છે. પરંતુ જીવના જોખમે એક જ એસ ટી બસમા 100થી વધુ વિદ્યાર્થીઓ લઈ જવાય છે. અને ખખડધજ એસ ટી બસો કાયમ આ રૂટ પર દોડવાય છે. ટ્રાયબલ વિભાગ દ્વારા એસ ટી વિભાગને ભાડું અપાય છે. છતાંય જાણે આદિવાસી બાળકોના ભવિષ્યની કંઈ પડી ન હોય તેમ દેખાઈ રહ્યું છે. રાતના 9 કલાક સુધી આદિવાસી બાળકો ઘરે પહોંચ્યા ન હતા. જિલ્લા કલેકટર આ બાબતે ગંભીર બને અને આદિવાસી બાળકોને સુવિધાઓ મળે તેવા પ્રયાસ કરે તેવી માંગ ઉઠી છે.

ખખડધજ બસો તાત્કાલિક બદલાય તે જરૂરી છે
રાતના બાળકો બેસી રહ્યા હોઇ કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? ટ્રાયબલના અધિકારી ધ્યાન આપતા નથી. સરકાર રૂપિયા ફાળવે છે પણ પરિસ્થિતિ હજુ તે જ છે. બેજવાબદાર એસ ટી વિભાગના અધિકારીઓના બાળકો આ રીતે મુશ્કેલી ભોગવે તો ખબર પડે વાલી ની ચિંતા શુ છે. આવી ખખડધજ બસો તાત્કાલિક બદલાય તે જરૂરી છે. > જેન્તીભાઇ ભીલ, ચામેઠા

અન્ય સમાચારો પણ છે...