ત્રણ હેન્ડપંપ પર જીવતું નસવાડી ગામ:પાણી ક્યારે આવશે? - સરકારે બે મિનિ ટાંકી, અનેક બોર, મોટર અને 86 ઘરમાં નળ નાંખી આપ્યા પણ પાણી હજુ ન આવ્યું

નસવાડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
350ની વસ્તી ધરાવતા કોલુંકાછલી  ફળિયા ગામની મહિલાઓ ભર શિયાળે પાણી માટે હેન્ડપંપો ઉલેચવા મજબૂર - Divya Bhaskar
350ની વસ્તી ધરાવતા કોલુંકાછલી ફળિયા ગામની મહિલાઓ ભર શિયાળે પાણી માટે હેન્ડપંપો ઉલેચવા મજબૂર
  • ‘નલ સે જલ’ યોજના અંતર્ગત નાનકડા ગામમાં ટાંકીની કામગીરી 4 માસથી અધૂરી
  • મેણ નદીના કિનારે વસેલા ગામને શિયાળામાં પાણી માટે વલખાં મારવા પડે છે

સરકારની રુલર હાઉસ કનેક્શન યોજના, વાસ્મો, પાણી પુરવઠાથી લઈ ગામે ગામ સ્વચ્છ પાણીના ભીંત સૂત્રો, પાણીની સુવિધાઓને લગતી સરકારની વાત...નસવાડી નજીક પાણીથી તરબોળ મેણ નદીના કોલુંકાછલી ફળિયામાં આવતાની સાથે જ આ તમામ પાણીની વાતો અને સૂત્રો પોકળ સાબિત કરે તેવી પરિસ્થિતિ છે. કોલુંકાછલી ફળિયા અંદાજિત 350ની વસ્તી ધરાવતું ગામ છે.

સરકારે અહીં બે મિનિ ટાંકી, અનેક બોર મોટર અને વધુ તો 86 ઘરમાં નળ કનેક્શન નવીન પાઇપ લાઈન કરીને આપ્યા છે. પરતું પાણી ક્યાં છે ? ઘર સુધી નળ આવ્યા તે નલ સે જલ યોજનામાં સિવિલ કામ થયું, તેમાં ચૂકવણું પણ થયું હોવાનું ગ્રામજનોને જાણવા મળ્યું છે. ગામમાં નલ સે જલમાં પાણીની નવીન ટાંકી બનાવવાની છે. જેની કામગીરી ચાર માસથી અધૂરી પડી છે.

અલગ અલગ વિભાગ પાણી પુરવઠાના કામ કરે છે.પણ પાણી ક્યાં છે? હાલ તો કોલુંકાછલી ફળિયાની મહિલાઓ ગામના માત્ર ત્રણ હેન્ડપંપ ઉલેચવા મજબૂર બની છે. સવારે હેન્ડપંપ પર પાણી માટે લાઈનો પડે છે. પશુઓને પીવાડવા પંપ જ ઉલેચવા પડે છે. મેણ નદી નજીકનું ગામ છતાં પાણી માટે ભર શિયાળે મહિલાઓને હેન્ડપંપ ઉલેચવા પડે છે. તો ઉનાળાની વાત જ ક્યાં કરવી.

નસવાડી તાલુકાના નાનકડા કોલુંકાછલી ફળિયાની મહિલાઓ માટે પીવાનું પાણી હોય કે વપરાશનું કે પછી મૂંગા પશુઓને પીવડાવવા પાણી હોય, એક માત્ર હેન્ડ પંપ જ સહારો છે.
નસવાડી તાલુકાના નાનકડા કોલુંકાછલી ફળિયાની મહિલાઓ માટે પીવાનું પાણી હોય કે વપરાશનું કે પછી મૂંગા પશુઓને પીવડાવવા પાણી હોય, એક માત્ર હેન્ડ પંપ જ સહારો છે.

ઘરમાં નળનો શું મતલબ ? પાણીની સુવિધા માટે સરકાર લાખોનો ખર્ચો કરે પણ જોવા આવે તો ખબર પડે ને?
સગર્ભા બેનોને પણ આ દિવસોમાં હેન્ડપંપ ઉલેચવા પડે છે. નળ મૂક્યા પાણી ક્યાં છે. વહેલી સવારે ઉઠવું પડે છે. પાણીની સુવિધાઓ માટે સરકાર લાખ્ખોનો ખર્ચ કરે છે. પણ ગામમાં કોઈ જોવા આવે તો ખબર પડે. સગર્ભા બેનો હેન્ડપંપ ઉલેચી પાણી ભરે છે. ગામમાં વૃદ્ધ મહિલાઓ પાણી માટે હેન્ડપંપ ઉલેચે છે. તો ઘરમાં નળ મૂક્યા એનો શુ મતલબ? > શારદા બેન, ભીલ ગ્રામજન

મિનિ ટાંકીઓ બંધ પાણી માટે ત્રણ જ હેન્ડપંપ,ઉનાળામાં ફરજિયાત મહિલાઓને નદીમાંથી પાણી લેવા જવું પડે છે
પશુ માટે હેન્ડપંપ ઉલેચવાના,ઉનાળામાં તો વાત શંુ કરવાની. બધા નદીમાં પાણી લેવા જાય છે. પાણી માટે જે ત્રણ હેન્ડપંપ છે તેમાં બધા પાણી ભરે છે. નળ મૂક્યા તે કામ પણ તકલાદી છે. તૂટી ગયા છે. કોઈ જોતું નથી. પશુને હેન્ડપંપથી પાણી પીવાડવું પડે છે. ટાંકી અધૂરી છે. ચાર મહિના થયા. આ ટાંકીથી પાણી આપવાનું હતું. તો નળ મૂકવાનો શું મતલબ.. મિનિ ટાંકીઓ બંધ છે. > કરશન ભાઈ, ભીલ ગ્રામજન

આજે બધું જોઇ દુ:ખ થાય છે પહેલાં 1200 રૂપિયાની ગ્રાન્ટમાં પણ પાણીની સુવિધાઓ કરવામાં આવતી હતી
હું માજી સરપંચ છું. 1200 રૂ ગ્રાન્ટ આવતી હતી તે વખતે પાણી પૂરું પાડતા હતા. હમણાં તો આ બધું જોઈ દુઃખ થાય છે. હમણાં સરકાર લાખ્ખો રૂપિયા ગ્રાન્ટ સુવિધાઓ માટે વાપરે છે.પણ સુવિધાઓ નથી. અમારા વખતે 1200 રૂપિયાની ગ્રાન્ટમાં પણ પાણીની સુવિધાઓ કરી છે. આજે બધું જોઈ દુઃખ થાય છે. > મહંત કરશનદાસ, માજી સરપંચ

અન્ય સમાચારો પણ છે...