સમસ્યા:નસવાડીના 7 ગામના મંજૂર માર્ગોના 32 કરોડના ટેન્ડર 3 માસથી ઘોંચમાં

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 ગામના કાચા રોડ આઝાદીના વર્ષો બાદ પણ હજુ પાકા બન્યા નથી

છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારના ધારસીમેલ હરખોડ, કુંડા, ગનીયાબારી, સાંકડીબારી, કુપ્પા, ચાવરીયા આ સાત ગામના કાચા રોડ આઝાદીના વર્ષો બાદ પાકા બન્યા નથી. આજે ભર ચોમાસે આ કાચા રસ્તે બાઈક લઈ જવી પણ મુશ્કેલ છે. મોટા વાહનો કોઈક દિવસ અવર જ્વર કરે એને પણ ધક્કા મારવા પડે છે. જે કાચા રસ્તા આઝાદીના વર્ષો બાદ 32 કરોડના ખર્ચે નવા મંજૂર થયા એના ટેન્ડરો પડ્યા અને જે તે એજન્સીએ ટેન્ડરો પણ ભર્યા હતા. જેમાં શિવાલય ઈન્ફો ,આર સી પટેલ , ડી બી પટેલ, એકતા એસોસિએટ, રોયલ ટેકનો, વી એસ શાહ અંબિકા કન્સ્ટ્રકશન વગેરેનો સમાવેશ થાય છે.

આ એજન્સીઓએ ટેન્ડરો ભર્યા બાદ પ્રાઈમરી બીડ જૂન માસમાં ખુલી હતી. જેમાં કઈ એજન્સીનું આ ટેન્ડર લાગેલ છે તેની વાત બહાર આવી જતાં ટેન્ડરોમાં રાજકારણ ઘૂસ્યું હતું. જેમાં રાજ્યના માર્ગ મકાન મંત્રીને એક એજન્સી વિરુદ્ધ છોટાઉદેપુર સાંસદ, સંખેડા ધારાસભ્યે લેટર લખી આ એજન્સીને કામગીરી ન કરવા દેવા પત્ર લખ્યા હતા. હાલ સમગ્ર ટેન્ડરોની પક્રિયા ગાંધીનગર માર્ગ મકાન વિભાગમાં અટકી પડી છે.

જે તે એજન્સીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની કામગીરી ગાંધીનગર વિભાગ કરી રહી છે. અગાઉ રાયપુર, ગઢનો અધૂરો પુલ મુકનાર એજન્સી અન્ય હતી. અને જે એજન્સીનું ટેન્ડર લાગેલ છે તે એજન્સી અન્ય છે. કોના ઈશારે આ કામમાં રોડા નખાયા છે તે હાલ ચર્ચાને સ્થાને છે. વર્ષો બાદ ટેન્ડર મંજૂર થયા છે ત્યારે 3 માસથી તેનો પ્રશ્ન હલ ન થતાં ડુંગર વિસ્તારના સાત ગામના લોકો દુઃખી બન્યા છે.

અનાજ ભરેલો ટેમ્પો પણ ચાલી ના શકે તેવો રસ્તો છે, જલ્દી રસ્તા બનાવો
જે નેતાઓએ અમને જણાવેલ કે રસ્તો મંજૂર થયો પણ એ જ નેતાઓ કશું કરતા નથી એમ દેખાય છે. ટેન્ડરમાં પણ રાજકારણને લઈ ટેન્ડરો હજુ ઘોંચમાં પડ્યા છે. દુઃખ અમે ભોગવી રહ્યા છે. કોઈ સાહેબ કોઈ નેતા હમણાં ચોમાસામાં આવે તો ખબર પડે રસ્તાની કેવી પરિસ્થિતિ છે. ટેમ્પોને ધક્કો મારવો પડે છે. અનાજ પણ રસ્તામાં ઉતારી માથે લઈ જવું પડે છે. જલ્દી રસ્તો બનાવાય એવી અમારી માંગ છે. - ભરતભાઈ ભીલ, ગ્રામજન, કુંડા

ટેન્ડરની પ્રાઈમરી બીડ ખુલતાં જ કોને ખબર પડી?
વર્ષોથી ડુંગર વિસ્તારના આદિવાસી લોકો કાચા રસ્તાને લઈ હેરાન છે. ભાજપના વિકાસ દિવસમાં અમે હરખોડ કુંડા જઈ રસ્તાની પરિસ્થિતિનો વિકાસ બતાવ્યો પછી આ કાચા રસ્તા કોંગ્રસના વિરોધ પ્રદર્શન બાદ સરકારે મંજૂર કર્યા છે. હવે ટેન્ડરની પ્રાઈમરી બીડ ખુલ્યા બાદ નેતાઓને કઈ રીતે ખબર પડી કે ટેન્ડર કોનું લાગ્યું. પૂરું ટેન્ડર ખુલ્યું નથી તે પહેલાં નેતાઓે પત્ર લખી નાખ્યા. એનો શું મતલબ? હું ગાંધીનગર જઉં એટલે માર્ગ મકાનના સચિવને મળી આ બાબતે તત્કાલ કામ ચાલુ થાય તેવી રજૂઆત કરીશ. - ધીરુભાઈ ભીલ, માજી ધારાસભ્ય, સંખેડા

અન્ય સમાચારો પણ છે...