છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે રોડની બાજુના ખુલ્લા કોતરોમાં હાલ નસવાડી આઈટીઆઈથી લઈ કંડવા ગામ સુધી ફક્ત રોડની આજુબાજુ પ્લાસ્ટિકનો કચરો મોટી માત્રામાં દેખાઈ રહ્યો છે. સરકાર એકબાજુ પ્લાસ્ટિક મુક્તની વાત કરે છે. પરંતુ નસવાડી ટાઉનમાં નસવાડી રેસ્ટ હાઉસ અને નસવાડી વીજ કચેરી આગળના રોડની બાજુમાં જ પ્લાસ્ટિકનો મોટી માત્રામાં કચરાનો ભરાવો થયો છે. નસવાડી ગ્રામ પંચાયત તેમની હદ વિસ્તારમાં સફાઈ કરાવે છે.
પરંતુ રોડની આજુબાજુ સફાઈનો અભાવ છે. જ્યારે નસવાડી ટાઉનના જાહેર રસ્તાની આજુબાજુ વેપાર કરતા નાના મોટા લારી ગલ્લાવાળા પણ ફક્ત તેમનો વેપાર થાય તે જ જોઈ રહ્યા છે. પરંતુ વ્યવસ્થિત સફાઈ અને કચરા બાબતે ધ્યાન આપતાં નથી. તેઓની સ્થળ મુલાકાત કરી નસવાડી ગ્રામ પંચાયત, ટીડીઓ, મામલતદારે સ્વચ્છતાના પાઠ ભણાવવા જોઈએ.
તંત્ર દ્વારા પગલા કેમ લેવાતા નથી ?
લારી ગલ્લા તેમજ અન્ય છૂટક ચાની રેંકડીઓવાળા રોડની આજુબાજુ બિન અધિકૃત તેમની રોજી રોટીને લઈ વેપાર કરે છે. પરંતુ સ્વછતા બાબતે તેઓ પોતાની જવાબદારી સમજતા નથી. તો એવા બેજવાબદાર તમામ સામે તંત્ર કાર્યવાહી કેમ નથી કરતું તેવા ગ્રામજનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.