છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના બનેલ ડામર રોડ બે ચાર વર્ષમાં તો ખખડધજ થઈ જાય છે. ખાસ કરીને જ્યારે ડામર રોડના કામ ચાલુ હોય ત્યારે પંચાયત આર એન્ડ બીના અધિકારીઓ ધ્યાન આપતા નથી. કારણ કે સરકારી ઓફિસમાં સ્ટાફનો અભાવ છે. ડામર રોડ એજન્સીના ભરોસે થતા હોઇ તેને લઈ બે ચાર વર્ષમાં જ રોડની હાલત ખરાબ થાય છે. આવો જ રોડ નસવાડીના ડુંગર વિસ્તારના રામાપ્રસાદી ગામથી બટુપ્રસાદી ગામનો છે.
જે ડામર રોડ પર નસવાડી પંચાયત આર એન્ડ બીના અધિકારીઓની નજર પડી ન હોઇ ગ્રામજનો ડામર રોડની ખખડધજ બનેલ હાલતને લઈ દરરોજની મુશ્કેલી વેઠી રહ્યા છે. અંદાજિત 2 કિમીથી વધુની ડામર સપાટી ધરાવતા રોડ પર મસમોટા ખાડા પડ્યા છે. જે ખાડા પર ગ્રામજનો બાઈક સીધી રીતે ચલાવી શકે તે માટે ડુંગરની માટીથી પૂર્યા છે. નિયમો મુજબ ડામર રોડના પેચ વર્કના ટેન્ડરો હોય છે. અને જે તે એજન્સીઓ ડામર રોડના પેચ વર્ક કરે છે. પરંતુ ડુંગર વિસ્તારના ડામર રોડ તરફ કોઈ ધ્યાન આપતું નથી.
દર વર્ષે સીઆરના ટેન્ડરના લાખ્ખો રૂપિયાના બિલ પંચાયત આર એન્ડ બીમાં સબમિટ થાય અને ચેક લખાય છે. પરંતુ આદિવાસી વિસ્તારના ડામર રોડ ખખડધજ પરિસ્થિતિમાં જ રહે છે. હાલ તો છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ડુંગર વિસ્તારના આ રોડની મુલાકાત લઈ ડામર પેચ વર્કના કામ કરાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.
નેતાઓ અમારા રસ્તાની હાલત બાબતે રોડ ખાતાને જાણ કરી રસ્તાના ખાડા વ્યવસ્થિત કરાવે
બાઈક લઇ જવાની પણ ડામર રસ્તાથી મુશ્કેલી છે. રોડ ખાતાવાળાએ કોઈ દિવસે ડોક્યું કર્યું નથી. ભાજપને વર્ષોથી ખોબે ખોબે મત આપીએ છે. ત્યારે ચૂંટાયેલા કોઈ નેતા રોડ ખાતાવાળાને જાણ કરી રસ્તાના ખાડા તો વ્યવસ્થિત કરાવે. હાલ આખું ગામ ડામર રસ્તાની ભંગાર હાલતને લઈ હેરાન છે. > માવસિંહભાઈ ભીલ, વાહન ચાલક, રામાપ્રસાદી
ડામર રોડની હાલત અંગે ગાંધીનગર ચીફ ઈજનેરને લેખિતમાં જાણ કરવાનું ગ્રામજનોએ નક્કી કર્યું
ડામર રોડની હાલત પર કોઈ ધ્યાન નહીં આપે તો અમે ગાંધીનગર માર્ગ મકાનના ચીફ ઈજનેરને લેખિતમાં જાણ કરીશું. સરકાર આદિવાસીઓ માટે ઘણું કામ કરે પણ રોડના ખાડા પણ કોઈ જોવા આવે તેવી ગ્રામજનોની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.