સમસ્યા:કંકુવાસણમાં 118 નળમાં પાણી નહિં આવતા ગ્રામજનોમાં રોષ, પાણીની સુવિધા માટે ખર્ચાતા રૂપિયા પાણીમાં

નસવાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટાંકી ચાલુ કરવા ગ્રામજનો માંગ કરી તેની તસવીર ઈરફાન લકીવાલા નસવાડી - Divya Bhaskar
ટાંકી ચાલુ કરવા ગ્રામજનો માંગ કરી તેની તસવીર ઈરફાન લકીવાલા નસવાડી
  • એક મિનિ ટાંકી પર બધા પાણી ભરે છે, હેન્ડપંપ બગડેલા હોઇ મેણ નદીમાંથી પાણી ભરવું પડે છે
  • નલ સે જલ યોજના તેમજ અન્ય યોજનાની પાણીની લાઈનો નાખવા માટે રોડ પણ તોડી પાડ્યા છે

સરકાર પાણીની સુવિધા માટે લાખોનો ખર્ચ કરે છે પરંતુ પાણીની સુવિધા માટે ખર્ચાતા રૂપિયા પાણીમાં જાય છે. જેમાં આડેધડ બોર મોટર, હવાડા, ટાંકીઓ, હેન્ડપંપ આજે પણ કેટલાય ગામડામાં બંધ છે. ત્યારે નસવાડી નજીક આવેલ કંકુવાસણ ગામમાં નલ સે જલ યોજનાના 118 નળ ઘર આંગણે મુકવામાં આવ્યા છે. પરંતુ નળમાં પાણી આવતું નથી. ગામની વર્ષો જૂની ટાંકી છે જે ટાંકીમાં ટીપું પાણી ભરાયું નથી અને હાલમાં એજ ટાંકીને કલર કરાયો છે. ટાંકીની બાજુમાં સંપ છે પરંતુ સંપમાં પાણી આવતું ન હોય જેને લઈ પરિસ્થિતિ સર્જાઈ છે.

કંકુવાસણ ગામે બનેલ નલ સે જલ યોજના તેમજ અન્ય યોજના થકી પાણીની લાઈનો નાખવા માટે રોડ તોડી પાડ્યા છે. પરંતુ કોઈ જોવા વાળુ જ નથી. નલ સે જલનું પેમેન્ટ ગ્રામ પંચાયતની પાણી સમિતિઓ કરે છે. પરંતુ પાણી સમિતિઓને ખબર જ નથી હોતી કેટલાનું કામ બસ ચેક પર સહીઓ કરી પેમેન્ટ કરાય છે. સરકાર લાખો રૂપિયા પાણીની સુવિધાઓ માટે ખર્ચ કરે છે. પરંતુ કોઈ મોનિટરીંગ ન હોય ફકત વાતો થતી હોય પરિસ્થિતિ હજુ ગામડામાં હતી ત્યાંજ છે.

ત્યારે કંકુવાસણ ગામે 118 નળમાં પાણી ગ્રામજનોને મળે તેવી ગ્રામજનોની માગ છે. ગ્રામજનો ટાંકી ઉપર અને આગળ ઉભા રહી પાણીની માગ કરી છે. એક જ મીની ટાંકી હોય પાણી બધા ત્યાંથી ભરે છે અને કેટલીય મહિલાઓ મેણ નદીમાં પાણી ભરવા જાય છે. નલ સે જલ યોજનામાં 4.67 લાખમાં 2.57 લાખનું ચૂકવણું કરાયું છે છતાંય ટીપું પાણી મળ્યું નથી. તે બાબતે જિલ્લા તંત્ર સચોટ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

પેમેન્ટ કરાયું છે પણ નળમાં પાણી નથી મળ્યું
પાણી મળતું નથી નલ સે જલનું પેમેન્ટ કરાયું છે. ટાંકી, સંપમાં પાણી નથી. સરકાર રૂપિયા આપે છે પણ ગામડામાં પરિસ્થિતિ તેજ છે. શિયાળામાં અમે પાણી માગીએ છે તો ઉનાળામાં તો આખું ગામ નદીમાં જાય છે. સાહેબો કોઈ જોવા આવતા નથી. તલાટી-સરપંચ આવે અને પાણી ચાલુ કરાવે. >સોમભાઈ ભીલ, ગ્રામજન

અન્ય સમાચારો પણ છે...