નસવાડી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં રહેતા આદિવાસી લોકો માટે જંગલ જમીનના નવા વન સંરક્ષણ નિયમ 2022 કેન્દ્ર સરકાર દ્વારા 26 જૂન 2022ના રોજ જાહેર કરાયા છે. જે પકૃતિને પૂજનારા આદિવાસીઓના હક પર તરાપ સમાન છે. આ સંદર્ભે આદિવાસી આગેવાનો દ્વારા વન સંરક્ષણ નિયમનો વિરોધ કરી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આદિવાસીઓના કહેવા મુજબ સરકારે બનાવેલા આ નિયમો પેસા કાયદો 1996 તથા વન અધિકાર કાયદો 2005 નું સદંતર ઉલ્લંઘન કરે છે. જંગલની જમીન સરકાર અથવા કોઈ કંપનીને જોઈતી હોય તો ગ્રામસભાની મંજૂરી લેવાની જરૂર નથી. એવું આ વન સંરક્ષણ નિયમ 2022માં લખવામાં આવ્યું છે.
5મી અનુસૂચિ વિસ્તારમાં આ પ્રકારના નિયમો આવનારા સમયમાં આદિવાસી લોકોને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડશે એમાં કોઈ શંકા કરવા જેવું નથી. આદિવાસી સમન્વય મંચ, ભારત દ્વારા દેશના દરેક રાજ્યોમાંથી આ કાયદાનો વિરોધ નોંધાવવા આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હોઇ તેને લઈ આદિવાસી સામાજિક આગેવાનોમાં ટીનાભાઈ ભીલ, અશ્વિનભાઈ ભીલ, અમિતભાઇ ભીલ, નયનભાઈ મહંત દ્વારા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી કાયદાને લઈ રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.