છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામા કરોડોના ખર્ચે પાકા ડામર રોડ આઝાદીના વર્ષો બાદ બન્યા છે. પરંતુ જે ડામર રોડ બન્યા તે નિયમ મુજબ ત્રણ વર્ષની ગેરંટી પિરિયડમા આવતા હોય છે. પરંતુ પંચાયત R&Bની દેખરેખમા પહેલાથી ડામર રોડ ગુણવતા યુક્ત કામગીરી થયેલ નથી. અને ટકાવારી યુક્ત ડામર રોડ બન્યા હોય તેવા ડામર રોડ દેખાઈ રહ્યાની ગામડામા ચર્ચા ઉઠી છે.
વધુમા નિયમ મુજબ જે રોડની સાઈડમા જંગલ કટિંગ છે તેને દૂર કરવાની જવાબદારી પણ જેતે એજન્સીની હોય છે. છતાંય કોઈ ધ્યાન આપતું ન હોય તેમ જેતે એજન્સીઓ પંચાયત માર્ગ મકાન વિભાગના મીઠાં સંબધોમા ડામર રોડના કામ કરી ગયા બાદ ડોકયું પણ કરવા આવતી નથી. અને હાલ નવા બનેલ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના રસ્તા લોક ઉપયોગી બનવાની સાથે હાલ મુશ્કેલી ભરી બન્યા છે. કારણ કે રોડની સાઈડનુ જંગલ કટિંગ એટલી હદે બહાર છે કે રોડ પૂરતો દેખાઈ રહ્યો નથી.
મોટા ભાગના ડામર રોડ વ્યવસ્થિત કરવાની જરૂર છે. ગેરંટી પિરિયડમા રોડ હોવા છતાંય એજન્સીઓને નસવાડી પંચાયત માર્ગ મકાન ફક્ત દેખાડવા પૂરતી નોટિસ આપે છે. કારણ કે એજન્સીઓને ખબર છે આ નોટિસ ફક્ત કાગળ પૂરતી છે. એજન્સીઓ ડામર રોડની કામગીરી કરી ટકાવારીના જોરે પેમેન્ટ લઈ લેતી હોય છે. પછી કોઈ જોવા વાળું હોતું નથી. તેમ હાલ ડામર રસ્તાની સ્થિતિ છે. આ બાબતે કાર્યપાલક ઈંજેનર ડામર રસ્તાની મુલાકાત કરી કામગીરી કરાવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.