હાલાકી:ખાતરના ભાવમાં વધારો થતાં નસવાડીના ખેડૂતો ચિંતિત

નસવાડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NPK, ASP, ASP, પોટાશ, નર્મદા ફોર્સ, જેવા ખાતરમાં 100થી 250 સુધીનો વધારો થયો

નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. કારમી મોંઘવારીમાં પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવ આસમાને પહોંચ્યાં છે. તેવામાં ખાતરનો ભાવ પણ વધી ગયો છે. નસવાડીના બજારમાં ખાતરના ભાવમાં 100થી 250નો ભાવ વધ્યો છે. કારણ કે કંપનીએ ભાવ વધારો કર્યો હોય ખેડૂતો ખાતરના ભાવ સાંભળી કચવાટ કરી રહ્યા છે. ખેડૂત બોલી રહ્યો છે આટલો બધો ભાવ છે. ખાતરની જાતમાં 123216 NPK જૂનો ભાવ 1185 હતો, નવો ભાવ 1450 છે. રૂપિયા 265નો વધારો કરાયો છે. નર્મદા ફોર્સ જૂનો ભાવ 995 નવો ભાવ 1150 છે. રૂપિયા 155નો વધારો કરાયો છે. ASP સરદાર 2020013, જૂનો ભાવ 1050 હતો. નવો ભાવ 1225 છે. રૂપિયા 175નો વધારો કરાયો છે. પોટાશ જૂનો ભાવ 875 નવો ભાવ 1040 છે. રૂપિયા 165નો વધારો છે.

એમેનિયમ સલ્ફેટ જૂનો ભાવ 656 હતો. નવો ભાવ 775 છે. રૂપિયા 119નો વધારો છે. જ્યારે યુરિયા અને ડીએપીનો ભાવ વધ્યો નથી. ખાતરની એક થેલીના ભાવમાં વધારો કરાયો હોય ખેડૂત જાય ક્યાં? એકંદરે ખેડૂતો નસવાડીના બજારમાં ખાતર લેવા આવે છે અને ખાતરના ભાવ સાંભળીને કેટલાય ખેડૂતો જતા રહે છેનું સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે. સાથે પેટ્રોલ-ડીઝલ મોંઘું થયું હોય નસવાડીથી ખાતર ખેડૂત ખરીદ કરે અને તેના ઘર સુધી પહોંચે તો અન્ય બીજો 100 રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ત્યારે કારમી મોંઘવારીમાં ખેડૂતોને તેના પાકના પૂરતા ભાવ મળતા નથી અને ખાતરના ભાવ વધારાને લઈ ખેડૂત વર્ગ ચિંતિત બન્યો છે. ત્યારે સરકાર આ બાબતે પણ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...