જોખમ ખેડી પસાર થવા મજબૂર:રાયપુરથી ગઢને જોડતો મેણ નદીનો લૉ લેવલ કોઝવે હજુ પણ પાણીમાં!

નસવાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાયપુરથી ગઢને જોડતો મેણ નદીનો લૉ લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકો જીવ ના જોખમ ખેડી પસાર થઈ રહ્યા છે. - Divya Bhaskar
રાયપુરથી ગઢને જોડતો મેણ નદીનો લૉ લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકો જીવ ના જોખમ ખેડી પસાર થઈ રહ્યા છે.
  • 100 ગામના લોકો જોખમ ખેડી પસાર થવા મજબૂર, પુલ અધૂરો હોઇ ફરી પુલનું ટેન્ડર પડ્યું
  • એજન્સી પુલનું કામ ક્યારે કરશે તેની રાહ જોતા ગ્રામજનો

નસવાડી અને કવાંટ તાલુકાના ઉપરવાસમાં પડેલ વરસાદને લઈ મેણ નદીમાં બે વખત ભારે પાણી આવ્યું હતું. આ નદી પર વર્ષોથી 100 ગામના લોકો પસાર થતા હતાં અને ભારે દુઃખ ભોગવતાં હતાં. આ લો લેવલના કોઝવે ઉપર 5 કરોડના ખર્ચે પુલ બનાવવા મંજુર થયો પણ તેનું કામ અધૂરું રાખી જે તે એજનસી રવાના થઈ ગઇ છે.

સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ આ પુલ લોકોની મુશ્કેલી જોઈ મંજૂર કરાવ્યો હતો. હવે એજન્સી અધૂરું કામ મૂકી જતી રહેતાં તેની સામે ટેન્ડરોના નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે. ધારાસભ્ય અભેસિંહ તડવીએ આ કામને લઈ સરકારમાં ફરી રજૂઆત કરતાં 3 કરોડથી વધુનું ટેન્ડર સરકારે બહાર પાડ્યું. જેમાં અધૂરા કામમાં ઉપરનો સ્લેબ તેમજ કેપ અને રોડની કામગીરી લેવાઈ છે. જે તે એજન્સીનું ટેન્ડર લાગ્યુ છે. પણ હજુ એજન્સી કામ કરવા આવી નથી.

જેને લઈ શનિવારે સતત બે વખત કવાંટ તાલુકામાં વરસાદ પડતાં મેણ નદીમાં ભારે પાણી આવતાં લૉ લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. આજુબાજુના લોકો જીવના જોખમે કોઝવેના ધસમસ્તા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અન્ય રોડ છે પણ 15 કિમી ફરીને જવું પડે તેમ છે. ત્યારે પુલનું અધૂરું રહેલું કામ જલ્દી શરૂ થાય માટે પંચાયત માર્ગ મકાન વિભાગ છોટાઉદેપુર ધ્યાન આપે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. હજુ પણ ચોમાસા ને લઈ 100 ગામના લોકો દુઃખ ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...