સમસ્યા:આંગણવાડીઓનું અધૂરું કામ છતાં લોકાર્પણ!, છેલ્લા બે વર્ષથી આંગણવાડીનું ધીમી ગતિથી કામ ચાલી રહ્યું છે

નસવાડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
બરોલીની આંગણવાડીનું કલર કામ ચાલુ છે ત્યારે જ લોકાર્પણ કરાયું. - Divya Bhaskar
બરોલીની આંગણવાડીનું કલર કામ ચાલુ છે ત્યારે જ લોકાર્પણ કરાયું.
  • નસવાડી તાલુકાના બરોલી, ટીબા, ગોયાવાંટની આંગણવાડીઓમાં હજુ ઘણું કામ બાકી છે

રાજ્યમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નસવાડી તાલુકામાં 20 વર્ષનો વિકાસ અને 20 વર્ષનો વિશ્વાસના સૂત્ર સાથે વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત શરૂ કરાયું છે. મનરેગા યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષથી ધીમી ગતિથી બની રહેલ આંગણવાડીનું લોકાર્પણ કરાયું છે. એક આંગણવાડી રૂપિયા 7 લાખના ખર્ચે બનેલ છે. જેમાં નસવાડી તાલુકાના બરોલી, ટીંબા, ગોયાવાંટ આમ ત્રણ ગામની આંગણવાડીનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સૂચના અનુસાર લોકાર્પણ સ્થાનિક સરકારી તંત્ર અને જે તે ગ્રામજનોની હાજરીમાં કરી દેવાયું.

પરંતુ આંગણવાડીની દેખરેખ રાખનાર નસવાડી આઈસીડીએસ વિભાગને આ બાબતે જાણ કરાઈ ન હતી. જે આંગણવાડીનું લોકાર્પણ કરાયું તે આંગણવાડીની અધૂરી કામગીરી બાબતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને નસવાડી આઈસીડીએસ વિભાગે જાણ કરી હતી. છતાંય બરોલી ગામે એકબાજુ કલર કામ અને બીજી બાજુ લોકાર્પણ કરાયું હોઇ ગ્રામજનોમાં રમૂજ ફેલાઇ હતી.

આંગણવાડીઓ બે વર્ષે પણ પૂર્ણ થઈ નથી ત્યાં તો લાખ્ખોના પેવડીપ, કોઝવે બની ગયા
નાના ભૂંલકાઓ માટે વર્ષો બાદ બની રહેલ આંગણવાડીઓ બે વર્ષ પૂર્ણ થવાના આરે છે. છતાં હજુ પૂર્ણ નથી થઈ. કાચા મકાનમાં હાલ પણ બાળકો બેસી રહ્યા છે. લાખ્ખોના ખર્ચે કોતરો પર પેવડીપ, દીવાલ, નાળા બની ગયા. તંત્ર ધારે તો આંગણવાડીનું કામ એક મહિનામાં પૂર્ણ થઈ જાય તેમ છે. તો આ માટે જવાબદાર કોણ ?

જેનું લોકાર્પણ થયું તે આંગણવાડીઓમાં કામ બાકી હોવાની જાણ કરાઇ છે
ટીબામાં શોષખાડો, કોઠીયામાં રસોડાનો પથ્થર, બરોલીમાં બારીની જાળી, કલર કામ, ગોયાવાંટમાં શોષખાડો, આનંદપુરીમાં બાથરૂમ ટાઇલ્સ લાઈટ ફિટિંગ આ કામગીરી બાકી છે. જેની અમો ઉપર જાણ કરી હોવા છતાં ડીઆરડી લોકાર્પણ કરાવેલ. પાછળથી કામ કોઈ કરે નહીંની બહેનોની ફરિયાદ હતી. યાદી જ અમને મોકલી આપી છે. અને ઉપરથી કહ્યું બાકી કામ થઈ જશે. - ચંદ્રિકાબેન ભીલ, ઈન્ચાર્જ સીડીપીઓ, નસવાડી

અન્ય સમાચારો પણ છે...