છોટાઉદેપુર જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ વિભાગની દેખરેખમાં ટેન્ડરોથી થતા કામ આડેધડ કરાતા હોવાના વીડિયો બહાર આવ્યા બાદ નસવાડી તાલુકા પંચાયત કારોબારી ચેરમેને સ્થળ કામની મુલાકાત કરી હતી. જેમાં પાલા, કોલુ, ઈટાલીયા ગામે ચેકવોલના કામમાં રેતી કપચીનો ઉપયોગ કર્યા વગર કામ કરાય છે. જેમાં ફકત ગ્રેવલ વાપરી કામ કરાતું હોવાનું બહાર આવ્યું હતું. આ કામગીરીની દેખરેખ રાખનાર નોડલ ઓફિસર પંકજ વૈદ્ય કામગીરી બંધ કરાવી છે તેમ જણાવ્યું હતું. છતાંય ચેકવોલનું કામ ગ્રેવલથી આર સી સી ભરવાનું ચાલુ જ છે.
હજુ નોડલ ઓફિસરે સ્થળની મુલાકાત લીધી નથી. જ્યારે ચેકવોલના કામ પૂર્ણ થવા આવ્યા છે અને અન્ય ચેકવોલનું કામ જમીન પર પીસીસી કરી બનાવવાની તૈયારી કરાઈ છે. પાણી રોકવા માટેના કામો એજન્સી ટેન્ડર મારફતે કરતી હોય છતાંય કોઈ ઈજેનર વગર આ કામ થાય એ કેટલું યોગ્ય? નોડલ ઓફિસરે કામ બંધ છે તેમ જણાવેલ પરંતુ ચેકવોલના કામ પૂર્ણતાના આરે છે. ત્યારે કામ બંધ કરવાનું કોણે જણાવ્યું તે મોટો પ્રશ્ન છે.
બીજી બાજુ મીડિયામાં એહવાલ પ્રસિદ્ધ થયા અને કારોબારી ચેરમેને જાતે મુલાકાત કર્યા બાદ પણ ફકત ગ્રેવલ વાપરી કામ થઇ રહ્યા હોય તો હવે ભ્રષ્ટ અધિકારીઓને કોઈ ફરક પડતો નથી તેમ લાગી રહ્યું છે. ચેકવોલના પાયા તેમજ આર સી સી વર્ક બાબતે જળસ્રાવના એકપણ ઈજેનર હાજર રહ્યા ન હોઇ જમીન ઉપર જ કામ કરાઈ રહ્યું છે.
એજન્સી અને અધિકારીઓ જાતે મીલીભગતથી કામગીરી કરાવી રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. છોટાઉદેપુર જિલ્લા સેવાસદનમાં જળસ્રાવની કચેરી આવેલ હોઇ જિલ્લા કલેકટર પણ આ બાબતે ગંભીર બની પાણી રોકી જળ સતર ઊંડા આવે માટેના ચેકવોલના ભ્રષ્ટચાર બાબતે ધ્યાન આપે તેવી લોક માંગ ઉઠી છે.
નસવાડી તાલુકામાં મંજૂર 65 કામો પૈકી હાલ દસેક કામ ચાલુ છે
પાવન કન્સ્ટ્રક્શન દ્વારા કામગીરી કરવાની છે. પાલા ગામે સાત ચેકવોલ, કોલુ ગામે ચાર, ઝરખલી ગામે છ આમ 17 ચેકવોલની કામગીરી જે તે એજન્સીએ કરવાની છે. સ્થળ મુલાકાત કરી સારું કામ કરાવીશું. હજુ કામો પર ગયા નથી. > પંકજભાઈ વૈઘ, નોડલ ઓફિસર, જળસ્રાવ નસવાડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.