વાસ્તવિકતા:નસવાડીમાં એક શાળામાં 2 બાળક માટે 2 અને બીજી શાળામાં 64 છાત્રો માટે એક જ શિક્ષક !

નસવાડી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી સ્ટેશન વિસ્તારની શાળામાં એક બાળક એક શીક્ષકને ભણાવે છ - Divya Bhaskar
નસવાડી સ્ટેશન વિસ્તારની શાળામાં એક બાળક એક શીક્ષકને ભણાવે છ
  • સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં 2 શિક્ષકો અને સોડત શાળામાં એક શિક્ષક છે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે. તેની એક શાળામાં 2 બાળક માટે 2 અને બીજી શાળામાં 64 છાત્રો માટે 1 જ શિક્ષક હોવાનું બહાર આવ્યું છે. સોડતમાં ગ્રામજનો દ્વારા શિક્ષક માટે રજૂઆત કરાઇ છે છતાં કોઇ કાર્યવાહી થઇ નથી.નસવાડી ટાઉનમાં સ્ટેશન પ્રાથમિક શાળા ધોરણ 1થી5 ની છે. જેમાં બે બાળકો વચ્ચે બે શિક્ષકો ફરજ બજાવે છે. જે બંને શિક્ષકોમાં એક પુરુષ અને એક મહિલા શિક્ષક છે. શાળામાં આવતા બંને બાળકો પણ સગા ભાઈ છે. જેમાં એક ક્યારેક આવે છે તો એક ક્યારેક આવતો નથી. બંને શિક્ષકમાં હાલ મહિલા શિક્ષક તાલીમમાં છે.

સોડત શાળાના 64 બાળકોને ભણાવવા એક શિક્ષક જણાય છ
સોડત શાળાના 64 બાળકોને ભણાવવા એક શિક્ષક જણાય છ

જ્યારે બીજી બાજુ નસવાડી નજીક આવેલ સોડત ચુનાખાણ પ્રાથમિક શાળા 1થી5ની છે. જેમાં 64 બાળકો અભ્યાસ કરે છે અને ત્યાં એક જ શિક્ષક છે. જે આચાર્ય અને અન્ય સરકારલક્ષી તેમજ તમામ વહીવટી કામો કરે છે. થોડા દિવસો પહેલાં સોડત ચુનાખાણના ગ્રામજનોએ શાળામાં શિક્ષકો આપોની માગ મીડિયાના માધ્યમથી માંગ કરી હતી. પરંતુ એક મહિનો થયો છતાંય હજુ આ શાળામાં હજુ એક જ શિક્ષક છે. શાળાના મેહકમના નિયમ મુજબ 60 થી વધુ બાળકો હોય તો 3 શિક્ષક ફાળવવામાં આવે છે. છતાં અહીં બાળકોના શિક્ષણ પર પડતી અસર કોઇના ધ્યાને આવતી નથી. શિક્ષણની આ વરવી વાસ્તવિકતા સામે આવી છે.

હું મીટિંગમાં જઉં, વહીવટી કામગીરી કરું ને બાળકોને ભણાવું પણ છું
શિક્ષક,આચાર્ય હું જ છું. 64 બાળકો છે. પ્રજ્ઞા વર્ગ ચલાવવા ખૂબ ધ્યાન આપવું પડે. એક શિક્ષક તો એનો જોઈએ જ. હું મારી રીતે બધું કરું છું. શિક્ષકો માટે ગ્રામજનોએ રજૂઆત કરી છે. મેં તાલુકા મથકે જાણ કરી છે. - રુષાભાઈ વળવી, આચાર્ય, સોડત (ચુ)

હવે અમે તાળાં મારીએ તો જ શિક્ષકો ફળવાય તેમ લાગે છે
એક મહિનો થયો અમારા ગામની શાળામાં શિક્ષકો ફળવાય માટે માંગ કરી છે. પરંતુ કોઈ ને કંઈ પડી ન હોઇ અમારા બાળકોને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવશે. હજુ શિક્ષક નવા ફળવાયા નથી તો અમે શાળાને તાળાં મારીએ, ધરણાં કરીએ, રેલીઓ કાઢીએ શું કરીએ? બાળકોના શિક્ષણની ચિંતાની વાત સરકાર મોટી મોટી જાહેરાત થકી કરે છે. પણ ગ્રાઉન્ડ 0 ની પરિસ્થિતિ કંઈક અલગ છે. - દિનેશભાઈ ભીલ, સરપંચ, ગ્રામ પંચાયત, કંડવા

અન્ય સમાચારો પણ છે...