નસવાડી નજીક આવેલ જીતપુરા ગામે મસમોટી બે ટાંકીઓ આવેલ છે. કેટલાય બોર અને હેન્ડપંપ છે. ઉપરાંત નલ સે જલ યોજનાના ઘરે ઘર નળ પણ મૂકેલા છે. છતાંય ગામની મહિલાઓને આજે પણ નિશાળ પાસે આવેલ કૂવા પર તેમની રોજિદી કામગીરીને લઈ આવવું પડે છે અને કૂવામાંથી પાણી ખેંચવું પડે છે. કૂવા નજીક ટાંકી છે પણ બંધ છે. અન્ય એક ટાંકી પણ છે છતાંય પાણીના હવાતિયાં છે. ગ્રામ પંચાયતમાં ચૂંટણી થયેલ ન હોઇ હાલ સરપંચ વગરની ગ્રામ પંચાયત છે. અને સરપંચ ન હોઇ વહીવટ જે તે તલાટી કરી રહ્યા છે.
પરંતુ તલાટીઓ ધ્યાન આપતા નથી. કારણ કે કોઈ સમસ્યા હોય અને છોટાઉદેપુર ડીડીઓ સુધી ફરિયાદ થાય તોય ખુલાસા રજૂ કરી તલાટી છૂટી જતા હોય છે. હાલ તો નલ સે જલ અને ઘરે ઘર પાણીની વાતના સૂત્ર જીતપુરા ગામે ફારસ રૂપ બન્યા છે. આજે પણ રહેણાંક મકાનોમાં મૂકેલ નળમાં પૂરતું પાણી આવતું નથી જેને લઈ મહિલાઓ કૂવા પર પાણી ખેંચવા મજબૂર બની છે. ત્યારે જિલ્લાની ટીમ આવા ગામડાની મુલાકાત કરી આવા પ્રશ્ન હલ કરે તેવી લોક માંગ ઉઠી છે.
ઘરે નળ છે તે ભાંગી ગયા છે અને પાણી તો આવતું જ નથી
પાણીની સમસ્યા છે. પણ કોઈ કશું કરતું નથી. મારે બીજા ફળિયામાંથી આ કૂવા પર આવવું પડે છે. બંધી જ મહિલાઓ પાણીના પ્રશ્નને લઈ હેરાન છે. ઘરે નળ છે તે ભાંગી ગયા છે. પાણી પૂરતું આવતું નથી. પ્રશ્ન જલદી હલ થાય તો સારુ. -મધીબેન ભીલ, ગ્રામજન, જીતપુરા
જીતપુરા ગામમાં સ્થળ મુલાકાત કરી પાણીનો પ્રશ્ન હલ કરીશું
પાણીનો પ્રશ્ન જે હશે તે જગ્યા પર મુલાકાત કરી જોવામાં આવશે. ગ્રામજનોને ઘર આંગણે પાણી મળે તે માટે કાર્યવાહી કરીશું.- નીરવભાઇ પટેલ, વહીવટદાર, ગ્રા.પં., જીતપુરા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.