લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મારે એ વાત સાબિત કરતી ઘટના હાલમાં જ છોટાઉદેપુર જિલ્લામાં બની હતી. ઠગ ત્રિપુટીએ વિવિધ ચીજો અડધી કિંમતે આપવાનું કહી 4 તાલુકાના 2360 જેટલા ખેડૂતો સાથે રૂા.1.40 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે મહિલા સહિતને 2ને પકડી પાડ્યાં હતાં, જ્યારે એક શખ્સની શોધખોળ જારી છે.
જિલ્લાના 4 તાલુકા નસવાડી, કવાંટ, બોડેલી અને પાવીજેતપુરમાં સુનીલ નગીનભાઈ ગામિત, તેજલ ધર્મેશભાઈ ગામિત, જીજ્ઞેશ પટેલ નામની ત્રિપુટીએ અપ્રોધા એગ્રો ઈન્ડસ્ટ્રિઝ નામની સંસ્થા ચાલુ કરી હતી. જેમાં તેમણે સ્થાનિકોને વિશ્વાસ બેસે તે માટે આ જ વિસ્તારના લોકોને નોકરીએ રાખ્યા હતા. ત્રિપુટીએ જગદીશ તડવીને ઝોનલ અધિકારી અને અરવિંદ ભીલને ફીલ્ડ ડેવલપમેન્ટ ઓફિસર બનાવ્યા હતા. ગઠિયાઓએ તેમને ફીલ્ડમાં કામ કરી શકે તેવા લોકોની ભરતી કરવા પણ કહ્યું હતું. જેથી જગદીશે ઇન્ટરવ્યૂ પણ કરી કેટલાક યુવકોને નોકરી પર રાખ્યા હતા.
બીજી તરફ આ કામમાં જે સભાસદ બને તેની પાસેથી રૂ.250 સભાસદ ફી અને 1 હજાર પ્રોસેસિંગ ફી લેવાનું નક્કી કર્યું હતું. જે બાદ સંસ્થાના કર્મચારીઓ જે તે વિસ્તારમાં જઈ સંસ્થાની માહિતી આપી ખેડૂતોને શું લાભ થાય તેની જાણકારી આપતા હતા. ગામે ગામ જઈ ખેડૂતો સાથે તેઓ મીટિંગ કરતા અને ખેડૂતોને બોરવેલ, તાડપત્રી, પાઇપ, પંખા, પંપ બિયારણ ટ્રીપ, સોલાર તથા મકાન બનાવવા ઇંટો અડધી કિંમતમાં આપવાની લાલચ આપી હતી. જેમાં 2360 જેટલા ખેડૂતોએ રૂ.1.40 કરોડથી વધુ જમા કરાવ્યા હતા.
જોકે સમય મર્યાદામાં વસ્તુઓ ન મળતાં ખેડૂતો વિફર્યા હતા અને સંસ્થાના કર્મચારીઓ પાસે માગણી કરી હતી. આથી કર્મચારીઓએ સંપર્ક કરતાં ગઠિયા ખેડૂતોના રૂપિયા લઈ ભાગી ગયા હોવાનું ખૂલ્યું હતું. આ અંગે નસવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે તપાસમાં વ્યારાથી સુનીલ ગામિત અને તેજલ ગામિતને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે જીજ્ઞેશ પટેલની શોધખોળ જારી છે.
આરોપી સુનીલ ગામિતે કેફિયત રજૂ કરી હતી કે, નસવાડીમાં એગ્રી વિઝન ઓફિસ ચલાવતો હતો. અમે રૂ.1.40 કરોડ ઉપરાંત ઉઘરાવ્યા હતા. બોરવેલમાં ખોટ ગઈ હતી. આરોપી સામે દેડિયાપાડામાં પણ ગુનો નોંધાયો છે.
કેવી રીતે ઉઘરાવ્યા?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.