વીજ કનેક્શન ન મળતાં રોષ:વીજપોલ ઉભા કરવા ખેડૂતે માંગ કરી તો જવાબ મળ્યો ‘શોધી લાવો’

નસવાડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીના ખેડૂતોને વીજપોલના અભાવે ખેતીના કનેક્શન ન મળતાં રોષ

નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. ત્યારે રુલર ઇલેક્ટ્રિફિક્શનના નિયમ મુજબ ગામડાના ખેડૂતોને એગ્રિકલ્ચર વીજ કનેક્શન આપવામાં આવે છે. જેના નિયમ મુજબ મધ્ય ગુજરાત વીજ કંપની પહેલાં રજિસ્ટ્રેશનથી રૂપિયા ભરાવે પછી.નંબર લાગે ત્યારે વીજ કનેકશન મળે છે. તે પહેલાં જે તે ખેડૂતના ખેતરમાં નામ આવતાં વીજ લાઈન ખેંચાતી હોય છે.

નસવાડી નજીક આવેલ આકોના ગામના ખેડૂતો પોતાના ખેતર ખેતી માટે તૈયાર તો કર્યા છે, ખેતરોમાં લાખ રૂપિયા ખર્ચ કરી બોર મોટર કરાવેલ છે ત્યારે નિયમ મુજબ વીજ કંપનીની યાદીમાં ખેડૂતોનું નામ આવ્યું છે પણ વીજ કનેક્શન મળતું નથી અને લાઈન ખેંચાતી નથી.

ખેડૂતોના જણાવ્યા મુજબ વીજપોલ નથી એમ જીઈબીના કર્મચારી જણાવે છે. કોન્ટ્રકટર પણ વીજપોલ નથી તેમ જણાવે છે. આથી વીજ કંપની પાસે ખેડૂતોને વીજ કનેકશન આપવા માટે વીજપોલ નથી તેવી ચર્ચા ઉઠી છે. વરસાદ પહેલાં ખેડૂતોએ નવા પાકને લઈ ખેતર તૈયાર કર્યા છે ત્યારે જિલ્લાના અધિકારીઓ રાજકીય નેતાઓ આ બાબતે ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

વીજપોલ નથી એટલે લાઈન ખેંચતા નથી
સરકાર મોટી જાહેરાત કરે છે. પરંતુ આજે વીજપોલ નથી અમે ખેતરો તૈયાર કરી બેઠા છે. વરસાદ થાય પછી કોઈ ખેતરોમાં પેસવા ન દે. અમારા વીજ કનેક્શનની લાઈનો નાખવા 15 દિવસથી કહીએ છે તો વીજપોલ નથી તેવા જવાબ આપે છે. અને કહે છે તમે વીજપોલ લાવો. આવું કેવું કામ? કોન્ટ્રાકટર ડુંગરોમાં કામ કરવા જાય છે. કોઈ જવાબ આપતું નથી. બોર કરીને બેઠા છે. તાલુકાના બધા ખેડૂતો હેરાન છે. > સરદાર સિંહ સોલંકી, ખેડૂત, આકોના

અન્ય સમાચારો પણ છે...