બેદરકાર તંત્ર:ઘૂંટીયાઆંબા સહિતના ગામોના રોડના કામ 16 માસ બાદ પણ અધૂરા

નસવાડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘૂંટીયાઆંબા, છલવાંટા રોડના કામ એજન્સીના વર્ક ઓર્ડર પૂર્ણ થયાના  16 માસ વીતે અધૂરા હોય ગ્રામજનો બતાવે છે. - Divya Bhaskar
ઘૂંટીયાઆંબા, છલવાંટા રોડના કામ એજન્સીના વર્ક ઓર્ડર પૂર્ણ થયાના 16 માસ વીતે અધૂરા હોય ગ્રામજનો બતાવે છે.
  • સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ ખાતમૂહૂર્ત કર્યું હતું
  • રૂા. 3.97 કરોડના ખર્ચે બનનાર રોડનુ ખાત મુહૂર્ત જાન્યુઆરી 2021મા કરાયું હતું

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ઘૂંટીયાંઆંબા, છલવાંટા અને બોરખાડ, બટુપ્રસાદી, કમલાવાસણ રોડ આઝાદીના વર્ષો બાદ મંજુર થયા છે. સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે જાન્યુઆરી 2021મા નવીન રોડનું વાજતે ગાજતે ખાત મુહૂર્ત કરાયું હતું. જેમાં બોરખાડ બટુપ્રસાદી રોડના ટેન્ડરની કિંમત 2.21 કરોડ અને 23.88 ટકા ડાઉન અને ઘૂંટીયાંઆંબા છલવાંટા રોડના ટેન્ડરની રકમ 1.76 કરોડ અને 25.11 ટકા ડાઉન ટેન્ડર હતું. આ રોડના કામ વિશ્વાસ કન્સ્ટ્રક્શન રાજકોટ એજન્સીએ શરૂ કર્યું હતું. જે રોડની કામગીરીમા સ્લેબ ડ્રેઈન, પ્રો વોલ, ડામર રોડ, તેમજ અન્ય કામગીરી કરવાની હતી.

જેતે એજન્સીએ શરૂ કરેલ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામા બનેલ આ રોડના કામ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની દેખરેખમા શરૂ થયેલ હતું. પરંતુ પહેલા વરસાદમા છલવાંટા ઘૂંટીયાઆંબા વચ્ચેનો ડામર રોડ ધોવાઈ ગયો અને બોરખાડથી બટુપ્રસાદી વચ્ચે આરસીસી રોડ બનાવાની કામગીરી બાકી રહી ગઈ હતી. જેને લઈ નસવાડી પંચાયત R&B અને એજન્સી વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જેમાં રોડની કામગીરી બાબતે પણ કેટલો કકળાટ થયો હતો.ત્યારબાદ બન્ને રોડની કામગીરી અટકી પડી હતી. જેમાં આજે પણ ઘૂંટીયાઆંબા ગામે સંખેડા ધારાસભ્ય જ્યાં ખાત મુહૂર્ત કર્યું હતું તે જગ્યાએ RCC રોડ બન્યો નથી.

જ્યારે R&B કહે છે. આ રોડ એસ્ટીમેન્ટમા લીધો ન હતો. અંદરના રોડ લીધા હોઇ ફક્ત બહાર ખાત મુહૂર્ત કરાવેલનુ જણાવેલ છે. જ્યારે ડામર રોડ અંદર બનેલ તેના પાઇપ નાણાંની આજુબાજુની દીવાલ ન હોઇ હમણાં ટ્રક પસાર થાય એવી પરિસ્થિતિ નથી. તો ગમે ત્યારે અકસ્માત થાય તેવી સ્થતિ છે.

આ બન્ને રોડ અંદાજીત 3.97 કરોડના ખર્ચે બનવાના હોય. પરંતુ એજન્સીના વર્ક ઓર્ડર પૂર્ણ થયાના 16 માસ થયા છતાંય કામગીરી અધૂરી છે. તો સંખેડા ધારાસભ્ય પણ R&Bના અધિકારીઓને આ રોડ પૂર્ણ કરવા સૂચનો કર્યા છે. છતાંય R&Bનુ એજન્સી સાથે સારુ બનતું હોઇ હજુ કમગીરી પૂર્ણ કરાવી શક્યા નથી. R&B ફક્ત એજન્સીને નોટિસ આપી સંતોષ માન્યો છે. અને ગ્રામજનોને ફકત વાયદા કરે છે.

રોડનુ બાકી કામ પૂર્ણ કરવા સૂચના આપી છે
કામગીરી અધૂરી હોય મને ગ્રામજનોની રજુઆત આવી છે. રોડનુ જે કઈ બાકી કામ હોય પૂર્ણ કરવા સૂચના આપી છે. આવનાર દિવસમાં હુ સ્થળ નિરીક્ષણ કરી ગ્રામજનો સાથે ચર્ચા કરીશ. સરકાર વર્ષો પછી રોડ મંજુર કર્યા તે કામ અધૂરા છે. એ ચલાવી નહીં લેવાય. - અભેસિંહ તડવી, ધારાસભ્ય, સંખેડા

અન્ય સમાચારો પણ છે...