છોટાઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભા બેઠકમાં આવતા ઢેફા ગામ કદાચ રાજ્યમાં એવુ હશે કે તેઓને મતાધિકાર મળ્યો છે પણ ત્યારબાદ ધારાસભ્યની મળતી ગ્રાન્ટનો લાભ મળતો નથી. મુળ ઢેફા ગામ ગરૂડેશ્વર તાલુકો જિલ્લો નર્મદામાં આવેલું છે. તેમના ગામમાં 235 મતદારો છે. જેનો સમાવેશ સંખેડા વિધાનસભા બેઠક એટલે કે છોટાઉદેપુર જિલ્લામાં થાય છે. આ બિચારા મતદારો પોતાના ઉમેદવારને મત આપે છે પણ ધારાસભ્યની ગ્રાન્ટ જોઇતી હોય તો જિલ્લો બદલાઇ જવાના કારણે મળી શકતી નથી જેથી ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે.
કે અમારા મત માત્ર ગણતરીમાં લેવાય છે. પણ સુવિધા આપવાની આવે તો ધૂળ અને ઢેફા જ મળે છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 160 મતદાન મથકોમાં ફક્ત એક બૂથ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઢેફા ગામનું છે. ઢેફા ગામના કુલ 235 મતદારો છે. પરંતુ આ બૂથ સંખેડા 139 વિધાનસભા બેઠકમાં આવતું બૂથ છે. એટલે એમના ઉમેદવાર પણ 139 વિધાનસભાના છે. આ મતદારોની સમસ્યા એ છે કે, વર્ષોથી સંખેડા વિધાનસભાના ઉમેદવારને મત આપતાં આવ્યા છે. પરંતુ મીઠીવાવ ગ્રામ પંચાયતના આ ગામ અને તે નર્મદા જિલ્લામાં અને તાલુકો ગરૂડેશ્વરમાં આવે છે.
એમએલએની ગ્રાન્ટ આપણા જિલ્લામાં આવતી નથી
જેને લઇ મતદારો જેમને મત આપે તે મત ફક્ત ગણવા પૂરતા જ હોય છે. કારણ કે ચૂંટાયેલા ધારાસભ્ય ઢેફા ગામના મતદારો માટે જિલ્લો બદલાઇ જવાને કારણે ગ્રાન્ટ ફાળવી શકતા નથી. જેથી ઉશ્કેરાયેલા ગ્રામજનો કહે છે આ તે કેવો મતાધિકાર? મત આપ્યા બાદ પણ સુવિધા કોઇ નહીં? 2009માં ધારાસભ્યએ ઠેફા ગામના વિકાસલક્ષી કામોને લઇ ગરૂડેશ્વર ટીડીઓને તેમના લેટર પેડ પર પત્ર લખ્યો હતો. પણ એ જ જવાબ મળ્યો હતો કે આ એમએલએની ગ્રાન્ટ આપણા જિલ્લામાં આવતી નથી.
ગ્રાન્ટ ફાળવી પણ કામ ન થયાં
દસ લાખની દીવાલ, પાંચ લાખનું નાળું, એક લાખની એલઇડી લાઈટ આમ સોળ લાખના કામનો પત્ર 16 ફેબ્રુઆરી 2019માં તેમના ભલામણથી ગરૂડેશ્વર ટીડીઓને લખ્યો હતો. અમે ટીડીઓને રૂબરૂ મળ્યા હતા. પણ કશું થયું નહીં. જિલ્લો તાલુકો અલગ હોઇ અમારું કામ હજુ થયું નથી. > નીરુબેન ભીલ, ગ્રામજન, મતદાર, ઢેફા ગામ
મત આપ્યા બાદ પણ વિકાસલક્ષી કોઇ કામ ન થાય તે શુ કામનું ?
સરકારી તંત્ર મતદારોને લોકશાહીનો પર્વ બતાવે અમે મત આપીએ પણ એ મત અમારો ઉમેદવાર અમને તેની ગ્રાન્ટ જિલ્લા તાલુકા બદલવાના કારણે ફાળવી ન શકે એમાં અમારો શું વાંક ? આ વખતે અમે ઉમેદવાર મત લેવા આવે તો તેમને કહેવું છે. અને સરકારી તંત્રએ પણ આ જોવું જોઈએ. - વસંતભાઈ ભીલ, ગામ આગેવાન, ઢેફા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.