વર્ષો બાદ પણ રસ્તો બન્યો નથી:કુપ્પા મતદાન મથકના ઢાળવાળા માર્ગથી હાલાકી

નસવાડી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનોને ધક્કા મારીને ચઢાવવા જેવી પરિસ્થિતિ
  • અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ હજુ આ અંગે કંઇ થયું નથી

નસવાડીના ડુંગર વિસ્તારના સૌથી છેલ્લું મતદાન મથક કુપ્પા ગામનું છે. જે ગામ તરફ જતા પહેલાં ડબ્બા ચોકડીથી ખેંદા ગામ તરફનો કાચો રસ્તો છે. આ ખેંદા ગામનો ઢાળનો કાચો રસ્તો નિયમ મુજબ ડબ્બા ચોકડીથી કુપ્પા સુધીના ડામર રોડનો એક ભાગ છે. છતાંય નસવાડી પંચાયત આરએન્ડબીથી લઈ છોટાઉદેપુર પંચાયત આરએન્ડબીના અધિકારીઓએ આ બાબતે આજદિન સુધી ધ્યાન આપ્યું નથી.

છોટાઉદેપુર ડીડીઓએ પહેલી મુલાકાતમાં જે કાચા રસ્તે પગપાળા જવુ પડ્યું તે રસ્તો આજદિન સુધી બનાવ્યો નથી. હજુ તે સ્થળ પર એક કાંકરી પણ નાખવામાં આવી નથી. આજે પણ કુપ્પા, ગનીયાબારી, સાંકડીબારી, છોટીઉમર, ખેંદાના ગ્રામજનો તેમજ મહારાષ્ટ્રમાંથી આવતા લોકો ખેંદા ગામના કાચા રસ્તે હેરાન થઇ રહ્યાં છે. આઝાદીના આટલા વર્ષે પણ આ કાચો રસ્તો જે અંદાજિત એક કિલોમીટરનો છે તે પાકો બનતો નથી. વિધાનસભાની ચૂંટણી નજીક છે.પરંતુ કુપ્પા મતદાન મથક તરફ જતા રસ્તા પર હજુ પરિસ્થિતિ કંઈક અલગ છે.

ખેંદા ગામના કાચા ઢાળવાળા રસ્તે આજે પણ જીપ ચાલકો હેરાન થાય છે. ફક્ત બે માણસ હોવા છતાંય જીપ ચઢી શકતી નથી. મતદાનના દિવસે પોલીસ પેટ્રોલીંગ સતત રહેશે અને પોલિંગ સ્ટાફ જયારે આવશે તો જીપમાં આવશે ત્યારે ધક્કા મારવા પડે તેવી પરિસ્થિતિ હાલ તો દેખાઇ રહી છે. આજુબાજુના ગ્રામજનો આ કાચો રસ્તાને વ્યવસ્થિત કરવા માંગ કરી રહ્યા છે.

કાચા રસ્તાના કારણે અમને રોજ મુશ્કેલી પડે છે
મતદાન ના દિવસે મુશ્કેલી પડવાની છે. પરંતુ હાલ રોજિંદા જીવનમાં કાચો રસ્તો વ્યવસ્થિત ન હોઇ અમે રોજ દુઃખ ભોગવીએ છે. છોટાઉદેપુર ડીડીઓ આવ્યા હતા તેમને પણ પગપાળા જીપમાંથી ઉતરી જવું પડ્યું હતું. અધિકારી આવ્યા બાદ પણ રસ્તા વ્યવસ્થિત ન થાય તો અમારી બાજુ તો તંત્ર ક્યારે જોશે. મતદાનના દિવસે પણ ધક્કા મારી જીપ ચઠાવવાનો વારો આવશે. > રવીસભાઈ ભીલ, ગ્રામજન, કુપ્પા

અન્ય સમાચારો પણ છે...