મતદાનનો વિરોધ:બંધ શાળામાં મતદાન મથક બનાવતાં ચૂંટણીનો બહિષ્કાર

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છઠ્ઠી આમલી પ્રા. શાળા જર્જરિત હોવાથી બંધ હતી
  • શાળા નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે મતદાનનો વિરોધ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના છઠ્ઠીઆમલી ગામે જર્જરિત શાળાને લઇ ગામલોકોએ પાંચ માસ પહેલાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. શિક્ષણ શાખામાં જિલ્લા કક્ષાએ રજૂઆત કર્યા છતાં પ્રશ્ન હલ ન થતાં તંત્ર બાળકોના ભણતર બાબતે આંખ આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે.

દરમિયાન આગામી સંખેડા 139 વિધાનસભાની ચૂંટણીને લઇ છઠ્ઠીઆમલી ગામે તાત્કાલિક બંધ જર્જરિત શાળામાં કલરકામ કરી મતદાન બૂથ ઉભુ કરાતાં ગામલોકો રોષે ભરાયા હતા. તેમણે સૂત્રોચાર કરી શાળા નહીં તો વોટ નહીંના બેનરો સાથે ગામના પાદરે ચૂંટણી બહિષ્કારનું બોર્ડ માર્યું હતું. છેલ્લા પાંચ માસથી શાળા જર્જરિત હોઇ મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ પણ ગ્રામજનોને કોઇ જવાબ નથી મળ્યો. સેવાસદનમા પણ આવેદનપત્રને કાગળ સમજી ફેંકી દેવાય છે તેવી રજૂઆતો સાથે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.

વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે કાઠિયાવાડ ગયેલા પરિવારના ખાનગી મકાનમાં હાલ શાળા ચાલે છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી આવતાં મામલતદારને મતદાન માટે શાળા યાદ આવી ત્યારે બાળકોનો ભણતરનો ખ્યાલ ન આવ્યો તેવા રોષ સાથે ગામજનોએ આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

આટલું મોટું શિક્ષણનું બજેટ છતાંય અમારી શાળા બનતી નથી
અમારા બાળકોને શાળા નવી મળે માટે અનેક રજૂઆત કરી તોય કોઈ જવાબ નહીં. આવું કેવું તંત્ર? હમણાં ચૂંટણી આવી રહી છે ત્યારે શાળામાં મતદાન મથક તૈયાર કરે છે. શું અમારા બાળકોની સુવિધા માટે સરકાર પાસે રૂપિયા નથી.આને વિકાસ કહેવાનો તો અમારે વોટ પણ આપવા નથી. પહેલાં શાળા પછી વોટ. - અતુલાબેન રાઠવા, સરપંચ, ગ્રામ પંચાયત, રાયપુર

600માંથી એકપણ વોટ નહીં મળે
અમારા ગામની શાળા માટે રજૂઆત કરીને થાક્યા તોય કોઈ જવાબ નથી મળતો. એનો શું મતલબ. જ્યાં સુધી શાળા નવી મંજૂર ન કરે ત્યાં સુધી ગામના 600થી વધુ વોટ છે જેમાંનો એક પણ વોટ આ વખતે નહીં મળે. - દિનેશભાઈ રાઠવા, ગ્રામજન, છઠ્ઠીઆમલી

અન્ય સમાચારો પણ છે...