વિરોધ:કલેડીયા સબયાર્ડમાં હરાજીના આરંભે ભાવ ઓછો પડતાં ખેડૂતોનો ઊહાપોહ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12000નો ભાવ એક રાતમાં 9000 થઈ જતાં ખેડૂતોનો વિરોધ: અંતે ભાવ સુધારી કપાસ લેવાયો.
  • કલેડીયા APMCમાં 200 જેટલા વાહનો કપાસની હરાજીમા આવ્યા હતા: હરાજી કલાક સ્થગિત રહી

સંખેડા તાલુકાના કલેડીયામાં કપાસનો હરાજીમાં નીચો ભાવ પડતા ખેડૂતોએ ઉહાપોહ મચાવ્યો હતો. 200થી વધુ સાધનો અત્રે કપાસ વેચવા આવ્યા હતા. પરંતુ પ્રારંભે જ કપાસનો નીચો ભાવ પડતાં ખેડૂતોએ હોબાળો મચાવતાં એક કલાક હરાજી સ્થગિત રહી હતી. એક જ દિવસમાં 12 હજારનો ભાવ શનિવારે 9 હજાર થઈ જતાં ખેડૂતોએ સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો. ધારાસભ્ય મધ્યસ્થી બનતાં માર્કેટના પ્રમુખને વાત કરતાં કલાકો બાદ ખેડૂતોનો કપાસ લેવાયો હતો.

સંખેડા એપીએમસીનું કલેડીયા સબયાર્ડ છે. કલેડીયામાં માત્ર સંખેડા તાલુકા જ નહીં પરંતુ નસવાડી અને અન્ય રાજ્યમાંથી પણ કપાસ વેચાવા માટે આવે છે. અહીંયા પણ કપાસની હરાજીથી જ વેપારીઓ દ્વારા ખરીદી કરાય છે. શનિવારના રોજ નિયત સમયે અત્રે કપાસની હરાજીની શરૂઆત થઈ હતી. કપાસની હરાજી શરૂ થાય તે પહેલાં જ અહીં આશરે 200થી વધુ સાધનો કપાસ વેચવા માટે આવ્યા હતા.

હરાજીથી કપાસની ખરીદી થતી હોવાને કારણે ખેડૂતોને હરીફાઈ થવાને કારણે તેમના માલની સારી કિંમત મળતી હોય છે. પરંતુ આજે અહીંયા કપાસની હરાજી શરૂ થતાંની સાથે જ કપાસના શરૂઆતના સાધનોમાં કપાસનો ભાવ નીચો પડ્યો હતો. 12 હજારનો ભાવ 9 હજાર થઈ જતાં ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ હતી. જેને લઇને ખેડૂતોએ ઉહાપોહ મચાવ્યો હતો. ખેડૂતો તેમના સારા કપાસનો સારો અને પોષણક્ષમ ભાવ મળે એવી માંગ કરી રહ્યા હતા.

કપાસની હરાજી એકાદ કલાક સુધી અટકી ગઈ હતી. જેની જાણ એપીએમસીના હોદ્દેદારોને થતાં સંખેડા એપીએમસીના ચેરમેન હેમરાજસિંહે વેપારીઓ સાથે કપાસના ભાવો સંદર્ભે ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ અને ધારાસભ્યની મધ્યસ્થીથી હરાજી ફરીથી શરૂ કરાઇ હતી. જોકે હરાજી દરમિયાન 186 જેટલા સાધનોની અત્રે હરાજીમાં ખરીદી થઈ હતી.

શરૂઆતમાં 2-5 સાધનોમાં માલ ખરાબ હશે એટલે ઓછો ભાવ પડ્યો હતો
કપાસની હરાજીની શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં 2-5 સાધનોમાં માલ ખરાબ હશે એટલે ઓછો ભાવ પડ્યો હતો. આથી બીજા ખેડૂતોને લાગ્યું હશે કે ભાવ ઘટ્યા છે તેથી ઉહાપોહ થયો એટલે વેપારીઓ જતા રહ્યા હતા. પણ પછી વાત કરી અને હરાજી શરૂ કરાવી હતી. 186 સાધન કપાસની ખરીદી થઈ હતી. જેમાં 10000થી 11900 સુધીના ભાવ પડ્યા હતા. > હેમરાજસિંહ મહારાઉલ, ચેરમેન, સંખેડા એપીએમસી

ખેડૂતોને કપાસનો ભાવ મળતો નથી
કપાસ વેચવા આવેલા ખેડૂતોને પૂરતો ભાવ ન મળતાં સૂત્રોચાર કર્યા હતા. હરાજી બંધ થઈ હોઇ કપાસ લઈ બેસી રહ્યા હતા. કપાસ વિણવાની મજૂરી, દવા, બિયારણ,પાણી બધું જ મોંઘું છે. ત્યારે પૂરતો ભાવ મળ્યો ન હતો. > અશ્વિનભાઈ ભીલ, ખેડૂત, પોચબા

મને ખેડૂતોએ રજૂઆત કરતાં આવીને પ્રશ્નો હલ કર્યો
કલેડીયા ગામ આગળથી જતો હતો. ખેડૂતોએ મને બોલાવ્યો તો હું મધ્યસ્થી બની બધા જ ખેડૂતોનો કપાસ લેવાય માટે ચેરમેનને વાત કરીને પ્રશ્ન હલ કર્યો છે. > અભેસિંહ તડવી, ધારાસભ્ય

અન્ય સમાચારો પણ છે...