ખેડૂતો ચિંતિત:નસવાડીમાં કપાસનો ભાવ ક્વિન્ટલે રૂ.500 ઘટતાં ખેડૂતોને પડતા પર પાટુ

નસવાડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
કપાસનો ભાવ કવીન્ટલે રૂ 500 ઘટતા ખેડૂતો ને હાલ રડવાનો વારો આવ્યો છે. - Divya Bhaskar
કપાસનો ભાવ કવીન્ટલે રૂ 500 ઘટતા ખેડૂતો ને હાલ રડવાનો વારો આવ્યો છે.
  • બે દિવસ પહેલાં જ કપાસનો ભાવ ક્વિન્ટલે રૂા. 8600 હતો
  • હાલ ગગડીને ~ 8100 ક્વિન્ટલનો ભાવ થતાં ખેડૂતો ચિંતિત

છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો ખેતી પ્રધાન છે. તાલુકાના 212 ગામમાં કપાસની ખેતી હાલ સારી છે. ખેડૂતોનો મુખ્ય પાક કપાસ છે. કારમી મોંઘવારીમાં મોંઘું ખાતર, દવા, બિયારણ અને ઉજાગરા કરી ખેડૂતો કપાસનો પાક તૈયાર કરે છે. ત્યારે કપાસ બજારમાં લાવતાં ભાવ ઘટી જતા હોઇ ખેડૂતો નિરાશ થયા છે. નસવાડી ટાઉનમાં રૂ ના વાયદા બજાર પર કપાસની વેપારીઓ ખરીદી કરતા હોય છે. હાલ ગામે ગામથી ખેડૂતો કપાસ વેચવા નસવાડી આવી રહ્યા છે. નસવાડી ટાઉનમાં કપાસની આવક શરૂ થતાં વેપારીઓને એવું લાગતું હતુ કે થોડા દિવસમાં ક્વિન્ટલનો ભાવ રૂા.9000 થઈ જશે.

આથી વેપારીઓ ખેડૂતોનો કપાસ હોંશે હોંશે ખરીદી કરતા હતા. છેલ્લા બે દિવસ પહેલાં જ નસવાડી ટાઉનમાં રૂા 8600 થી લઈ 8700 સુધી ક્વિન્ટલના ભાવ સાથે વેપારીઓએ ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરી છે. પરંતુ કપાસના કડી માર્કેટ તેમજ અન્ય મોટા માર્કેટમાં રૂ નાવાયદા બજાર પર કપાસ ખરીદી થતી હોઇ ત્યાં કપાસનો ભાવ અચાનક ડાઉન થતાં નસવાડી ટાઉનમાં હાલ રૂા. 8100 ક્વિન્ટલ ભાવથી કપાસ ખરીદી કરાઈ રહ્યો છે.

કપાસ વેચવા આવેલ ખેડૂતો અચાનક ભાવ ઘટી જતાં વેપારી સાથે કકળાટ કરી રહ્યા છે. કેટલાય ખેડૂતો તો ક્વિન્ટલે રૂા. 500 ઘટ્યાનું સાંભળતાં જ હાલ કપાસ વેચવાનું ટાળી રહ્યા છે.કપાસ પાછળ ખર્ચ અને મેહનત કરેલ હોઇ ભાવ ઘટતાં ખેડૂતો નિરાશ થયા છે.

ભાવ ઓછા થતાં મુશ્કેલીમાં મૂકાયા
કપાસ સારો નીકળ્યો અને વેચવા આવ્યા તો ભાવ ક્વિન્ટલે રૂા.500 ઘટ્યો છે. ભાવ ઘટી જાય એમાં ખેડૂતોને જ ખોટ છે. ખેડૂતો ક્યાં જાય. કપાસ ઘરમાં ભરી રખાય એટલી જગ્યા ન હોઇ રાખીએ કે ઓછા ભાવે વેચીએ કંઈ સમજાતું નથી. ખેડૂતો જાતે જ ભાવ કરી પોતાનો પાક વેચે એ દિવસો ક્યારે આવશે. - રાહુલ રાજપૂત, ખેડૂત, નસવાડી

જે ભાવે લીધો તેમાં જ ભાવ ઘટ્યો
ઉપર માર્કેટ મુજબ અમે ખેડૂત પાસે કપાસ લઈએ છે. બે દિવસ પહેલાં રૂા 8700 ભાવે કપાસ ખરીદી કર્યો હતો. જે અમે ઉપર વેચીએ તે પહેલાં ભાવ ડાઉન થયો છે. આજે રૂા.8100 નો ભાવ છે. જે ખેડૂતોને પોષાય તેમ નથી. માટે કપાસની આવક પણ ઘટી છે. અને ઉપર જેમ ભાવ પડે તેમ કપાસનો ભાવ અમે ખેડૂતોને આપીએ છે.- અલ્તાફ ભાઈ મેમણ, કપાસના વેપારી, નસવાડી

અન્ય સમાચારો પણ છે...