તલાટીઓની હડતાળ:જિલ્લાના તમામ તલાટી-મંત્રી સરકારી કચેરીના વોટ્સએપ ગ્રૂપમાંથી દૂર થયા

નસવાડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી 6 તાલુકાની 343 ગ્રામ પંચા.ના તલાટીઓની હડતાળ
  • ગાંધીનગરમાં યોજાનાર તાલીમ વર્કશોપનું આયોજન પણ રદ કરાયું

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ પ્રમુખના આદેશ મુજબ 2 ઓગસ્ટથી તલાટીઓ હડતાળ પર ઉતરવાના હોઇ તેને લઈ સોમવારે સાંજે ઓફિસ સમય પૂર્ણ થતાં સાંજે 6.10 કલાકે જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ સરકારી કચેરીઓના વોટ્સએપ ગ્રૂપમાંથી નીકળી ગયા હતા. નસવાડીની 60 ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓએ પણ પોતાના સિક્કા તથા નાણાપંચની ચાવી જમા કરાવી હતી.

રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાની 343 ગ્રામ પંચાયતના તમામ તલાટી કમ મંત્રીઓએ ઓફિસ સમય પૂર્ણ થતાં જ હડતાળને લગતી કામગીરી કરી હતી. 1 થી 3 ઓગસ્ટ સુધી ગાંધીનગરમાં સાસંદ આદર્શ ગામ યોજના હેઠળ તાલીમ વર્કશોપનું આયોજન કરેલ હોઇ તેમાં તલાટી કમ મંત્રીઓ જવાના હતા.

પરંતુ તલાટીઓ હડતાળ પર હોઇ આ વર્કશોપ મદદનીશ કમિશનર ગ્રામ વિકાસ ગાંધીનગર દ્વારા રદ કરાયો છે તેવો પત્ર પણ તમામ જિલ્લા મથકે મોકલાયો છે. વર્ષોથી તલાટી કમ મંત્રીઓના પ્રશ્ન હલ થતા ન હોઇ તલાટીઓએ ઉગ્ર હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. પહેલા દિવસે જ તલાટીઓએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવાની શરૂઆત કરી છે. જેને લઈ જિલ્લાના અધિકારીઓ પણ આગામી સરકારી કાર્યકમોનું શું થશે તેની મુંઝવણમાં મુકાયાં છે.

નાણાપંચની ચાવી, સિક્કા વગેરે મંડળના પ્રમુખને જમા કરાવી દીધા છે
તલાટી મંડળના આદેશ મુજબ જિલ્લાના તમામ તલાટીઓ હડતાળમાં જોડાતાં ગ્રૂપમાંથી નીકળી ગયા છે. તેમજ કી, સિક્કા જે તે તાલુકા મથકના તલાટી મંડળના પ્રમુખને જમા કરાવ્યા છે. તલાટીઓની માગ સરકાર સ્વીકારે એ જ અમારી માંગ છે.>નિશિત પંચાલ, પ્રમુખ, તલાટી મંડળ

ડેસર તાલુકા તલાટી મંડળ દ્વારા મામલતદાર અને ટીડીઓને આવેદન
ડેસર : ગુજરાત ભરના તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો અંગે વર્ષોથી કોઈ નિરાકરણ નહીં આવતા તા 2 ઓગસ્ટથી ડેસર તાલુકાના તમામ તલાટીઓ ચોક્કસ મુદતની હડતાલ ઉપર જશે. તે બાબતનું આવેદનપત્ર જિલ્લા તલાટી મંડળની સૂચનાથી ડેસર મામલતદાર ભરત પારેખ અને ટીડીઓ લાડુમોરને તાલુકા તલાટી મંડળના પ્રમુખ પંકજ પટેલ, મિતેશ પટેલ, સહિતે આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...