નસવાડી તાલુકાની મેણ નદી પર આવેલ ખુશાલપુરાથી ગઢને જોડતો પુલ રૂા. 5 કરોડના ખર્ચે ધારાસભ્ય અભેસિંહ તડવીની સતત રજુઆતને લઈ ધ્યાને લઇ સરકારે મંજુર કર્યો હતો. પુલનું કામ અક્ષય કન્સ્ટ્રકશન ઉઘના સુરત એજન્સીએ શરૂ કરેલ હતુ. તા. 26 ઓક્ટોબર 2020નો એજન્સીને આપેલ વર્ક ઓર્ડર મુજબ 12 માસમા પુલનું કામ પૂર્ણ કરવાનું હતું. એજન્સીએ ફક્ત પુલના પિલરનું કામ કરી કામ અધૂરૂ મૂકી લાપતા બની ગઈ હતી. ત્યારબાદ આર એન્ડબીએ નોટિસો આપી પુલનું કામ શરૂ કરવા એજન્સીને જાણ કરી હતી. છતાંય પુલનું કામ શરૂ ન થયું.
એજન્સીએ 26 ટકા ડાઉન ટેન્ડર ભરેલ હોવા છતાંય વડોદરા અધિક્ષક ઈજેનરની કચેરીમા વાતચીત કરી એજન્સીએ ટેન્ડર મંજુર કરાવેલ હતું. તે વખતે આ પુલનું કામ પૂર્ણ ન થાયની ચર્ચાઓ ઉઠી હતી. છતાંય આરએન્ડબીના અધિકારીઓના એજન્સીઓ પર ચાર હાથ હોઈ આખરે પુલનું કામ અધૂરું રહ્યું અને એજન્સી જતી રહી.
હવે ફક્ત આર એન્ડબી નોટીસ આપે છે. અને ખુલાસા જાતે જ ઓફીસમાંથી લખવામાં આવે છે. ત્યારે સંખેડા ખાતે રાજ્યના માર્ગ અને મકાન મંત્રીએ પુલની કામગીરી શરૂ થાય માટે જવાબ આપ્યો હતો. ત્યારબાદ હવે નવું ટેન્ડર ~ 3.33 કરોડનું બહાર પડ્યું છે. પિલર ઉપર કેપ અને સ્લેબનું કામ બાકી છે. એટલે સ્ટીલ અને વધુ પડતા સિમેન્ટ કોક્રેટનું કામ બાકી હોય છે. ત્યારે જુના ભાવનું ટેન્ડર હોય સ્ટીલનો ભાવ ~ 40 / કીલોનો છે. જ્યારે હાલ બજારમા ~ 65 / કીલો સ્ટીલ મળે છે.
એટલે આ ટેન્ડર જેતે એજન્સી ડાઉન ભરે તો તેને ખોટ હમણાંથી સ્ટીલમા જાય તેમ છે. કારણ કે ટેન્ડરમા સ્ટીલની કોન્ટેટી જ 272 મેંટ્રીક ટન છે. બીજી બાજુ મજૂરી અને સિમેન્ટ પણ મોંઘું છે. ત્યારે ફરી આ ટેન્ડર બહાર પડ્યું છે. પરંતુ એજન્સીઓ પુલના ઉપરનું કામ હોઇ ટેન્ડર ભરતા મુંઝવણમા મુકાઈ છે. એટલે આ વર્ષે પણ પુલ અધૂરો રહેશે તેમ લોકો જણાવી રહ્યા છે. વિકાસના કામો વર્ષો બાદ મજુર થયા પણ અધૂરા રહે તેના માટે જવાબદાર કોણ?
અધૂરું કામ કરનાર એજન્સી સામે ગાંધીનગરથી કાર્યવાહી થઇ રહી છે
આર એન્ડ બીના અધિકારીઓના જણાવ્યા મુજબ પુલનું અધૂરું કામ થયું છે જેને લઈ આખરી નોટિસ પણ એજન્સીને અપાઈ ગઈ છે. તેને બ્લેક લિસ્ટ કરવા માટેની કાર્યવાહી ગાંધીનગરથી કરાઈ રહી છે. જ્યારે હવે ફરી ડાઉન ટેન્ડર મંજૂર કરવામાં આવે તો જવાબદાર કોણ?
અમારે આ વર્ષે પણ દુઃખ જ ભોગવાનું
વર્ષો પછી પુલ મજુર થયો એજ અધૂરો રહ્યો. 26 ટકા ડાઉન પુલનું કામ એજન્સી રાખેતો એને ટેન્ડર કઈ રીતે પાસ થઈ જાય. અમને પહેલા જ ખબર હતી આ કામ અધૂરું રહેશે. એવું જ થયું. હવે ફરી નવું ટેન્ડર પડ્યું છે. પણ પહેલા જ સાહેબો ધ્યાન આપ્યું હોત તો આ પુલ હમણા પૂરો થઈ ગયો હોત. આ વર્ષે ચોમાસામાં એજ દુઃખ ભોગવવાનો અધિકારીઓ ધ્યાન આપે તો સારું.> રમણભાઈ રાઠવા, ગ્રામજન, લાવાકોઈ
જૂની એજન્સી બધું મટિરિયલ લઈ ગઈ
જે તે એજન્સીએ ગત જૂન માસમાં કામ અધૂરું મુકેલ હતું. પછી પુલનું કામ શરૂ કરવા માગ ઉઠી તો એજન્સીએ લોખંડ મોકલ્યું હતું. તે પણ હમણાં નથી અને જે એબેટમેન્ટ પર લોખંડ બાંધેલું હતું તે પણ એજન્સી છોડી ગઈ છે. એટલે એજન્સી બધુ મટેરિયલ લઈ ગઈ.
ઓછા ભાવે એજન્સીઓ કામ કઈ રીતે પૂર્ણ કરશે ?
હાલ સ્ટીલ બાધવાના રૂા. 8000 ટનનો ભાવ ચાલે છે. સેંટરીંગ કરવાનો ભાવ રૂા. 250 ચોમી ચાલે છે. કોક્રેટ કમ્પ્લેટ નાખવાનો ભાવ રૂા. 300 ચાલે છે. તો આ પુલ સુપર સ્ટ્રક્ચરમા આવતું હોઈ ઓછા ભાવે કઈ રીતે એજન્સીઓ કામ પૂર્ણ કરશે તે મોટો પ્રશ્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.