છોટાઉદેપુરના નસવાડીના યુવાનની મજબૂરી:ગ્રેજ્યુએટ યુવક નાનીઝડુલીમાં બંધ સામૂહિક શૌચાલયમાં હેર સલૂન ચલાવી રોજગાર મેળવે છે!

નસવાડી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા પિતાએ આર્થિક નબળી પરિસ્થિતિમાં દીકરાને ભણાવ્યો છતાં કોઈ નોકરી ન મળી

એકબાજુ સરકાર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરે છે. ત્યારે બીજી બાજુ આઝાદ ભારતની આ પણ એક વાસ્તવિકતા છે. છોટાઉદેપુરના નસવાડીના નાનીઝડુલી ગામના બીએ ગ્રેજ્યુએટ થયેલો બેરોજગાર યુવક બંધ પડેલા સામૂહિક શૌચાલયમાં સલૂન ચાલુ કરી રોજગાર મેળવવા મજબૂર બન્યો છે.નસવાડીના ડુંગર વિસ્તારના નાનીઝડુલી ગામે સ્વચ્છ ભારત મિશન હેઠળ સામૂહિક શૌચાલય 2 લાખના ખર્ચે બનાવાયેલ છે. બે વર્ષથી તે બિન ઉપયોગી પડ્યું છે ત્યારે ગામના બીએ ગ્રેજ્યુએટ થયેલા યુવક મકન ભીલની આર્થિક પરિસ્થિતિ સારી ન હોઇ તેણે નોકરી માટે મહેનત કરી.

પણ નોકરી ન મળતાં ગામના બંધ પડેલ બિન ઉપયોગી સરકારી શૌચાલયમાં જ ખુરશી ગોઠવીને હેર સલૂન શરૂ કરી દીધું અને હેર કટિંગ કરી ગુજરાન ચલાવવા મજબૂર બન્યો. આદિવાસી વિસ્તારનો આ બેરોજગાર યુવક ટાંચા સાધનો હોવા છતાંય મહેનત કરી શ્રી ગોવિદ ગુરુ યુનિવર્સિટીમાંથી માર્ચ 2019 માં બી એ ગ્રેજ્યુએટ થયો છે. પરંતુ બાદ તેને નોકરી ના મળી. આથી પેટનો ખાડા પૂરવા અને પરિવારના ગુજરાન માટે કામ પણ જરૂરી હોઇ હેર સલૂન શરૂ કર્યું. જે થકી દરરોજ જે રોજગારી મળે તેનાથી તે પરિવારનું ગુજરાન ચલાવે છે.

‘મારી પરિસ્થિતિ સારી ન હોઇ હું બંધ શૌચાલયમાં સલૂન ચલાવું છું’
મારા પરિવારનું ગુજરાન ચલાવવું અઘરું છે. મારા માતા પિતાએ મને ભણાવ્યો. બીએ ગ્રેજ્યુએટ છું પણ નોકરી નથી મળતી. આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી. શૌચાલય બંધ પડ્યું છે તેમાં ખુરશી ગોઠવી હેર સલૂન ચાલુ કર્યું છે. કોઈ દિવસ 50 તો કોઇ દિવસ 100 કે 200 રૂપિયા મળી રહે છે. - મકન ભીલ, સલૂન ચલાવનાર યુવક

અન્ય સમાચારો પણ છે...