કાર્યવાહી:હરખોડ, કુપ્પા ગામના નર્મદા કિનારેથી 3 લાખના વિદેશી દારૂ સાથે 7 ઝડપાયા

નસવાડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડીના હરખોડ, કુપ્પા નર્મદા કિનારેથી નસવાડી  તાલુકામાં લવાતો દારૂ સ્ટેટ મોંનટરીંગ સેલે 1 બોટ, 7  બાઈક અને 7 આરોપીને પકડ્યા. - Divya Bhaskar
નસવાડીના હરખોડ, કુપ્પા નર્મદા કિનારેથી નસવાડી તાલુકામાં લવાતો દારૂ સ્ટેટ મોંનટરીંગ સેલે 1 બોટ, 7 બાઈક અને 7 આરોપીને પકડ્યા.
  • મહારાષ્ટ્રથી નર્મદાના રસ્તે આવતો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી લીધો
  • 1 બોટ, 7 બાઈક, 6 મોબાઈલ, રોકડ સાથે ~ 5.73 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજ્યમા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નર્મદા કિનારે આવેલ હરખોડ, કુપ્પા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એમ. બી. રાણા અને તેમની ટીમને મહારાષ્ટ્ર રાજ્યમાંથી બોટ મારફતે નસવાડી તાલુકામાં લવાતો વિદેશી દારૂ પકડી પાડવામાં સફળતા મળી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ખાનગી ડ્રેસમાં આખી રાત વિદેશી દારૂ પકડવા ડુંગરો ખુંદી વળી હતી. નસવાડીના હરખોડ અને કુપ્પા આમ બે જગ્યાએથી વિદેશી દારૂની બાઈક પર થતી હેરાફેરી પકડી પાડવામાં આવી છે.

કુપ્પા ગામે 2 બાઇક પર 3 આરોપી દ્વારા લવાતી 1001 દારૂની બોટલ કિંમત રૂા.97,700 જપ્ત કરવામાં આવી હતી. દારૂ, 2 બાઇક, મોબાઇલ સાથે કુલ રૂા.1,57,700ના મુદ્દામાલ સાથે 2ને ઝડપી કાર્યવાહી કરાઇ હતી. જોકે મહારાષ્ટ્રનો એક બૂટલેગર ફરાર થઇ ગયો હતો. જ્યારે હરખોડ ગામ નજીક નર્મદા કિનારેથી જનરેટરવાળી બોટમાં 6 બૂટલેગરો દ્વારા લવાતી વિદેશી દારૂની 1997 બોટલ કિંમત રૂા.2,04,300 જપ્ત કરવામાં આવી હતી. વિદેશી દારૂ સાથે 5 બાઈક, 4 મોબાઈલ, 1 બોટ અને રોકડ રકમ મળી કુલ રૂા 4,15,900ના મુદામાલ સાથે 5 બૂટલેગરને ઝડપી લીધા હતા.

જ્યારે મહારાષ્ટ્રનો જ એક બૂટલેગર ફરાર થવામાં સફળ રહ્યો હતો. આમ ચૂંટણી પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલને કુપ્પા અને હરખોડ ગામેથી દારૂ, 7 બાઈક, 1 બોટ, રોકડ અને મોબાઈલ મળી કુલ રૂા. 5,73,600ના મુદ્દામાલ સાથે 7 બૂટલેગરને પકડવામાં સફળતા મળી હતી. આ વિદેશી દારૂનો જથ્થો ડુંગર વિસ્તારના નર્મદા કિનારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતો હોવાનું અને બાઈક પર જે તે ગામ સુધી લઈ જવાતો હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની આ રેડથી બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

નસવાડી તાલુકાના 7 આરોપી પકડાયા અને મહારાષ્ટ્ર રાજ્યના 2 જણા વોન્ટેડ
કનીશ નારસિંગ ભીલ - કડુલીમહુડી, મથુરભાઈ કમાભાઈ ભીલ - રણબોર, રમણ સરજીભાઈ ભીલ - કડુલીમહુડી, મહેશ નારસિંગભાઈ ભીલ - બુધા ઝૂલાધાની, નરજી માગીયા ભીલ - ધારસિમેલ, મુકેશ રૂમાંલિયાભાઈ ભીલ - કુકરદા, કિરણ રણજીત ભીલ - કુકરદા. આમ 7 આરોપી નસવાડી તાલુકાના હોઇ દારૂની હેરાફેરી બાઈક પર કરતા હોઇ પકડાયા છે. જયારે બે આરોપી મહારાષ્ટ્રના નેવજી અને હરિયો હાલ વોન્ટેડ જાહેર કરાયા છે.

પોલીસ રોડ પર ચેકિંગ કરતી હોઇ નર્મદાના માર્ગે દારૂ લવાતો હોવાનું અનુમાન
ચૂંટણીને લઈ નેશનલ હાઈવે રોડથી અન્ય રોડ ઉપર પોલીસ વાહનો ચેકિંગ કરતી હોઇ બુટલેગરો ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાંથી બોટ મારફતે નસવાડી તાલુકા નર્મદા કિનારે દારૂ લવાતો ઠલાવતો હોવાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...