માંગણી:છોટાઉદેપુર જિલ્લાના VCEના કામના રૂા.13.62 લાખ હજુ ચૂકવાયા નથી

કવાંટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • VCEની દિવાળી તાલુકા કક્ષાના અઘિકારીઓએ બગાડી
  • ​​​​​​​તાલુકા પંચાયત કચેરીઓમાં ગ્રાન્ટ ફાળવી દેવાઈ છે

ગુજરાત સરકાર દ્વારા ગ્રામ સુવિઘા પોર્ટલની શરૂઆત વર્ષ 2020માં કરવામાં આવેલ હતી. અને તેમાં દરેક ગામના ઘરોની આકારણીની ઓનલાઇન વિગતો રાજય સરકાર દ્વારા ગ્રામ પંચાયત કક્ષાએ ફરજ બજાવતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (વી.સી.ઇ.)ઓ પાસે કરાવવામાં આવેલ હતી. જેમાં અંદાજીત છોટાઉદેપુર તાલુકાની કુલ 49,000 જેટલી, કવાંટ તાલુકાની 51,523, અંદાજિત નસવાડી તાલુકાની – 50,000, સંખેડા તાલુકાની 32,916, બોડેલી તાલુકાની 41,000, અંદાજીત જેતપુર તાલુકાની 48000 આમ છોટાઉદેપુર જિલ્લાની આશરે કુલ 272441 એન્ટ્રી થયેલ હતી.

જેની એક એન્ટ્રી દિઠ રૂા. 5 લેખે અંદાજિત કુલ રૂા. 13,62,205 રૂપિયા સરકાર દ્વારા ચુકવણી કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. જેની મહેનતાણાની રકમની માંગણી વી.સી.ઇ.ઓ દ્વારા અવાર-નવાર કરવામાં આવેલ અને રાજય મંડળ દ્વારા પણ સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. જે અનુસંઘાને સરકાર દ્વારા વિકાસ કમિશનર ગુજરાત રાજય દ્વારા ક્રમાંક : ઇજીવીજીએસ/વીસીઇ/રજૂઆત/2021-22/2885 તા.23 સપ્ટેમ્બર 2021ના રોજ પત્રથી તમામ જિલ્લા વિકાસ અઘિકારીઓને જણાવેલ કે વી.સી.ઇને ચુકવણીની કરવાની બાકી છે.

તો તા. 30 સપ્ટેમ્બર સુઘીમાં ચુકવણીની કાર્યવાહી પૂર્ણ કરવા જણાવવામાં આવેલ હતું.જે બાદ તાલુકા પંચાયત કચેરીઓમાં ગ્રાંટ ફાળવી દિઘેલ હતી. પરંતુ આજદિન સુઘી છોટાઉદેપુર જિલ્લાના કોઇપણ તાલુકાના ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (વી.સી.ઇ.)ને ચુકવણી કરેલ નથી. વઘુમાં ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (વી.સી.ઇ.) તાલુકા અને જિલ્લા મંડળ દ્વારા અવાર-નવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી દિવાળી પહેલા ચુકવણું કરવાની માંગણી કરેલ છે. પરંતુ તાલુકા કક્ષાના અઘિકારીઓ દ્વારા તેમની માંગણીઓ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો(વી.સી.ઇ.)ને સરકાર તરફથી કોઇ પગાર ન મળતો હોય માત્રને માત્ર કમિશન મળે છે. આગામી દિવાળી જેવા તહેવારોમાં ખર્ચ વઘુ થતો હોય આવા સમયે કેટલાક અઘિકારીઓ દ્વારા ઓરમાયુ વર્તન રાખી સરકારના આદેશો હોવા છતાં વી.સી.ઇ.ઓને ચુકવણું ન કરેલ નથી. જેથી તાલુકા પંચાયત ખાતે બીલો પાસ કરતા અઘિકારીઓ દ્વારા દિવાળી પહેલા વી.સી.ઇ.નું ચુકવણું કરી આપવામાં આવે તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...