કવાંટ નગરમાં સોમવારે અઠવાડિક હાટ હોવાથી તેમજ ભંગોરીયાનાં હાટને લઇને નગરમાં નાના મોટા વેપારીઓ જેમાં ફ્રૂટના વેપારીઓ સૌથી વધુ આવ્યા હતા. મરચું, મસાલો, કપડાં, નારિયેળ, તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓનો છૂટક વેપાર કરનારા તેમની લારીઓ લાવી ભંગોરિયાં હાટમાં ધંધો કરવાના હતા. રવિવારે રાત્રિનાં 2.30 કલાક બાદ કવાંટના પીએસઆઇ તેમના સ્ટાફને લઇને કવાંટ નગરમાં નીકળ્યા હતા. તેઓએ ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વિના રોડ પરની લારીઓ ખસેડવાની જગ્યાએ નગરના મધ્યમાંથી પસાર થતા કોતરમાં લારીઓ ઉથલાવી દીધી હતી. અને તંબુ પણ ઉખેડી નાખ્યા હતા.
આ કામગીરી દરમિયાન કેટલીય લારીઓ તૂટી ગઇ હતી. જેને લઇને નાના પરિવારોનાં છૂટક ધંધો વેપાર કરતા લોકો ગુસ્સે ભરાયા હતા અને સમગ્ર નગરની દુકાનો બંધ રખાવવા માટે ગામમાં ફર્યા હતા. આ અંગે કવાંટ ગ્રામ પંચાયતના ડે સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખના પતિ વરસનભાઈ, ધારાસભ્ય જેન્તીભાઇ રાઠવા, વિજયભાઈ રાઠવાએ આવીને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ પીએસઆઇ સાથે પણ ગતરાત્રિના બનાવ સંદર્ભે વાતચીત કરી હતી.
ત્યારે કવાંટ પીએસઆઇએ ગતરાત્રિ દરમિયાન જે કાર્યવાહી કરાઇ હતી અને જેઓને લારીઓનું નુકસાન થયેલ છે તે નુકસાનનું વળતર આપવાની બાંહેધરી લીધી હતી. ત્યારબાદ કવાંટ નગરનું બજાર ફરી શરૂ થવા પામ્યું હતું.
ઉલ્લેકનીય છે કે સોમવારે કવાંટ નગરમાં ભંગોરિયાનો હાટ હોઇ તાલુકાના 133 ગામોની પ્રજા હોળીની ખરીદી માટે કવાંટમાં આવતી હોય છે. ત્યારે ગતરાત્રિના બનાવને પગલે સવારથી નગરના બજારો બંધ હોઇ ખરીદી માટે અટવાતી જોવા મળી હતી. સવારના 11.00 કલાક બાદ ફરી બજારો ખુલતાં તેઓને હોળીના પર્વ માટે ખરીદી કરવાનો મોકો મળ્યો હતો અને હોળીનાં દિવસે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી હતી.
દબાણ ખસેડવા માટે કહેવાતાં મેં લારીઓ ખસેડી હતી
અવાર નવાર કવાંટ ગ્રામ પંચાયત દ્વારા પહેલાં દબાણ ખસેડવા માટે તેમજ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે કહેવામા આવ્યું હતું. જેને લઈને સોમવારે ભંગોરીયાનો હાટ હતો એટલે મેં રાત્રી દરમિયાન આ લારીઓ ખસેડવાની કામગીરી કરી હતી. > સી.એમ ગામીત, કવાંટ પી.એસ.આઇ
ગ્રામ પંચા.ને વિશ્વાસમાં લીધા વિના કામગીરી કરાઇ છે
અમોને કવાંટ ગ્રામ પંચાયતને કોઈપણ બાબતે વિશ્વાસમાં લીધા વગર કવાંટના પોલીસ મથકના પીએસઆઇ દ્વારા આ દબાણની કામગીરી કરવામાં આવી છે. > સંદીપભાઈ પંચાલ, ડે. સરપંચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.