ભાસ્કર ઈમ્પેક્ટ:ગોજારીયામાં ‘નલ સે જલ’ યોજનાની કામગીરી તપાસવા તંત્ર દોડી આવ્યું

કવાંટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હલકી ગુણવત્તાની કામગીરીનો અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર જાગ્યું
  • ​​​​​​​પ્રોજેક્ટ મેનેજરે આ યોજનાના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા અને નાણાં નહીં ચૂકવવાની વાત કરી

અતિપછાત તાલુકામાં જેની ગણના થાય છે તેવા કવાંટ તાલુકા 117 ગામડાઓમાં વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી સુખ સુવિધાઓ તેમજ વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને લઈને ગુણવત્તા સભર કામ થવું જોઈએ તે થતું નથી.

કવાંટ તાલુકામાં વાસ્મો અંતર્ગત “નલ સે જલ’ યોજના હેઠળ 2022ના અંત સુધીમાં ઘરે ઘરે પાણી પહોચાડવા માટે લાખોના ખર્ચે યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દરેક નાગરિકને શુદ્ધ પીવા લાયક પાણી ઘરે જ મળી રહે અને પાણી માટે રઝળપાટ ના કરવી પડે તે માટે યોજના અમલમાં મુકવામાં આવી છે. કવાંટ તાલુકાના ગોજારીયા ગામે 49 લાખના ખર્ચે નલ સે જલ યોજનાની પાઇપ લાઈનનું કામ કરવામા આવ્યું છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા આ યોજનાનું આડેધડ તેમજ હલકી કક્ષાની કામગિરી કરતા ગ્રામજનોએ કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઇ રાઠવાને ફરિયાદ કરી હતી.

જે ફરિયાદને લઈને ગોજારીયા ગામે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. જેના સમાચાર દૈનિક સમાચારમાં પ્રસિદ્ધ થતા શુક્રવારે પ્રોજેક્ટ મેનેજર અજયભાઈ ચૌધરી (વાસ્મો) સહિત સમગ્ર વહીવટી તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર ગોજારીયા ખાતે દોડી આવ્યા હતા અને ગોજારીયા ગામે ચાલતી નલ સે જલ યોજનાની ચાલતી કામગીરી નિહાળી હતી.

પ્રોજેક્ટ મેનેજરે આ યોજનાના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માટે અને નાણાં નહીં ચૂકવવા સુધીની વાત કહી હતી. જ્યારે ગોઝારીયા ગામે નલ સે જલ યોજનામા બોર કરી તેમાં 3ની મોટર મુકવાના સાથે 1.5ની મોટર મુકવામા આવી છે. જ્યારે ગામમા બનેલ આર સી સી માર્ગને તોડી નળની લાઈનો નાખી છે. જે આર સી સી કોન્ટ્રાકટર દ્વારા બનાવી આપવામા આવ્યા નથી. જ્યારે સ્ટેમ્પ પોસ્ટ મૂકી ચકલી મુકવાના સ્ટેમ્પ પોસ્ટ પણ યોજના શરૂ થતાં પહેલાં જ તૂટી જવા પામ્યા છે.

કામગીરી યોગ્ય કરવા કોન્ટ્રાકટરને નોટિસ આપીશું
અમો એ કારોબારી અધ્યક્ષની રજુઆતને પગલે ગોઝારીયા ગામની મુલાકાત લીધી છે. જેમાં કામગીરી હલકી કક્ષાની જોવા મળી છે. જે કામગીરી યોગ્ય કરવા કોન્ટ્રાકટરને નોટિસ આપીશું. જો તે આ કામ યોગ્ય નહિ કરે તો તેઓને બ્લેક લિસ્ટ કરવાની પણ તજવીજ કરીશું. > અજય ચૌધરી, પ્રોજેકટ મેનેજર (વાસ્મો)

કામગીરી યોગ્ય નહીં થાય તો અમે એસીબીમાં ફરિયાદ કરીશું
અમો એ તાલુકામા ચાલતી નલ સે જલ યોજનામા ગોઝારીયા ખાતે મુલાકાત કરી હતી. જેમાં બિલકુલ હલકી ગુણવત્તાની કામગીરી અમને જોવા મળી હતી. જેની રજુઆત વાસ્મો યોજનાના અધિકારીઓ સાથે વાતચિત કરી અને તેઓ શુક્રવારે ગોઝારીયા ખાતે આવી તેઓએ પણ આ કામગીરી હલકી કક્ષાનું હોવાનું જણાવ્યું હતું. જો આ યોજનાની કામગીરી યોગ્ય નહિ થાય તો સમય આવ્યે અમો ફરિયાદ લખાવવા કે એસીબીમા પણ જાણ કરી ફરિયાદ કરીશું. > પિન્ટુભાઈ રાઠવા, કારોબારી અધ્યક્ષ, કવાંટ તાલુકા પંચાયત

અહીં કોઈ અધિકારી કે કોન્ટ્રાકટર આવ્યા જ નથી
અમારા ગામમા પાઇપ લાઈન નાખવાની કામગીરી ખોટી જ કરી છે. જ્યારે પૈપો 4, 5 ઈંચ જ દબાવી છે. વરસાદ વધુ પડે ત્યારે આ પાઇપો ધોવાઈ જશે અને તૂટી જશે. ચકલી નાખી છે તે બધી તૂટી ગઈ છે. હજુ પાણી ચાલુ થયું નથી. અહીં કોઈ અધિકારી કે કોન્ટ્રાકટર આવ્યા જ નથી. કામ મજૂરને સોંપી દીધું, તેથી જેમ તેમ કામ કરી દીધું છે. > સૈદુભાઈ જમલાભાઈ રાઠવા, રહીશ, ગોઝારીયા

અન્ય સમાચારો પણ છે...