વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજ દ્વારા રવિવારે કવાંટમાં છોટાઉદેપુરના સાંસદ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતાને આક્રોશ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાઠવા જાતિને નોકરીના ઓર્ડર આપવામાં અન્યાય થઇ રહ્યો છે. જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી રાઠવા કોળી, કોળી રાઠવાની ગુંચવણ ઉભી કરી વિશ્લેષણ સમિતિમાં પણ રાઠવા જાતિના 425 યુવાનોને ઓર્ડરો મળ્યા નથી અને જૂના દસ્તાવેજો માંગવામા આવે છે.
જ્યારે જાતિના પ્રમાણપત્રો સરકાર દ્વારા જ આપવામા આવ્યા છે. જ્યારે અમારા વળવાઓ સરકારને જ માઇ-બાપ સમજતા હતા. તેવે વખતે સરકારી અધિકારીઓ દ્વારા 73 AAની એન્ટ્રીઓ ન પાડી અને રાઠવામા કોળી શબ્દ કેવી રીતે ઉમેરાયો તે સમજાતું નથી. જ્યારે છોટાઉદેપુરની વિવિધ રાજકીય બેઠકોમા અનામતમા સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો પણ આદિવાસી બેઠક ઉપર વિજેતા બની શાસનમા બેઠા છે. તેવે વખતે આદિવાસી રાઠવા સમાજના યુવાનોને નોકરીના ઓર્ડરો આપવામા કેમ મુંઝવણ ઉભી કરવામા આવે છે.
આદિવાસી રાઠવા સમાજના પ્રમુખ નગીનભાઈએ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામા 12 લાખ આદિવાસીઓનું અહિત થઈ રહ્યું હોય તેમ લાગે છે. આવનાર સમયમા યોગ્ય સરકાર દ્વારા ન્યાય નહિ મળે તો આ જિલ્લાના આદિવાસી યુવાનોનો અસંતોષ ભારેલા અગ્નિ જેમ ફાટી નીકળશે. તો તે સાચવવું ભારે પડી જશે. આમ આવેદન પત્ર આપી સરકારને ચેતવણી આપી હતી. જ્યારે છોટાઉદેપુર સાંસદ દ્વારા આવતી કાલે ગાંધીનગર ખાતે મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક કરી નિર્ણય લાવવાની હૈયા ધારણા આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.