પરિવાર ચિંતિત:બોડેલીની હોસ્પિટલ ખાતે મહિલાની ફિંગર પ્રિન્ટ મેચ ન થતાં મળવાપાત્ર લાભ અટક્યો

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં ગયેલી પ્રસૂતાને આયુષ્યમાન કાર્ડનો લાભ ન મળતાં પરિવાર ચિંતિત બન્યું હતું
  • જોકે અધિકારીએ ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લઇને લાભ અપાવતાં ખુશી

લીના અલીપુરામાં રહેતી મહિલા પ્રસુતિ માટે ખાનગી હોસ્પિટલમાં પરિજનો સાથે ગઈ હતી. ત્યાં આયુષ્યમાન ભારત કાર્ડ માટે ફિંગર આધારકાર્ડ સાથે મેચ ન થતા આયુષ્ય માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ અટક્યો હતો. પણ છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીએ રજુઆતને આધારે ઉચ્ચકક્ષાએથી મંજૂરી મળતા દર્દી સહિત પરિવારજનોને લાભ મળતા જિલ્લાના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

બોડલી તાલુકામાં આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાના દર્દીઓને સારવાર કરવા માટે માન્યતા આપવામાં આવેલી 4 ખાનગી હોસ્પિટલોમાં દેવ હોસ્પિટલ, ઢોકલીયા સંગમ હોસ્પિટલ, બોડેલી જનરલ હોસ્પિટલ અને આર્ય હોસ્પિટલનો સમાવેશ કર્યો છે. ત્યારે અલીપુરા વિસ્તારમાં રહેતી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં ડિલિવરી કરાવી હોઈ દર્દીએ બોડેલી સીએચસી ખાતેથી રીફર ચિઠ્ઠી લખાવી લાવ્યા હતા. પણ કોઈક કારણોસર ફિંગર આધારકાર્ડ સાથે મેચ ન થતા આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળે તેમ ન હતો. જેને લઈ પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

જોકે પરિવારજનોએ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણને રજુઆત કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પણ ઈ-મેલ મારફતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી હતી. જ્યારે કલેક્ટરે તાત્કાલિક આરોગ્ય વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત કલેક્ટરે આ બાબતને લઈ સતત મોનીટરીંગ કર્યું હતું. આ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓએ તેઓના ઉચ્ચ વિભાગમાં જાણ કરી સતત સબંધિત કામગીરી કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના કલેકટર તેમજ આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીની સતત કામગીરીથી ઉચ્ચ કક્ષાએથી કાર્ડ મંજુર થતા દર્દી તેમજ પરિવારજનોને આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળ્યો હતો. જેથી દર્દી તેમજ પરિવારજનોએ જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરી તેમજ સબંધિત કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...