અકસ્માત ઝોન ગણાતા જબુગામ-બોડેલી હાઈવે માર્ગ પર આવેલા મેરીયા બ્રિજની રેલીંગ તોડી એક હાઈવા ટ્રક રેલીંગ પર અટકી જતાં અકસ્માત થયો હતો. સદનસીબે ટ્રકમાં બેઠેલ ડ્રાઈવર અને કલીનરનો આબાદ બચાવ થયો હતો. જેથી કોઇ જાનહાનિ થઇ ન હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 56 પરના જબુગામ બોડેલી હાઈવે માર્ગ પર માતેલા સાંઢની જેમ દોડતી ટ્રકોથી અકસ્માતનું પ્રમાણ વધવા પામ્યું છે. ત્યારે બોડેલી જબુગામ માર્ગ પરના મેરીયા બ્રિજ પર એક હાઈવા ટ્રક રેતી ભરવા માટે પસાર થઈ રહી હતી.
ત્યારે ટ્રકના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ટ્રકને પુલની રેલીંગ તોડી ટ્રક રેલીંગ પર લટકી રહી હતી. જોકે ટ્રક ચાલકની પુલની રેલીંગ પર સમય સુચકતા સાથે ટ્રક પર કાબૂ મેળવી લેતા ટ્રક બ્રિજ પર અટકી જતાં લટકી રહી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. બનાવ સંદર્ભે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં એક 108 ઈમરજન્સી વાન પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. જેથી બોડેલી પોલીસે ધટના સ્થળે પહોંચી ફસાયેલી ટ્રકને ક્રેનની મદદથી પુલની રેલીંગમાંથી બહાર કાઢવામાં આવી હતી અને ટ્રાફિક પૂર્વવ્રત કર્યો હતો. બનાવ અંગેની બોડેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.