ખેડૂત આલમમાં ખુશી:બોડેલીમાં હરાજીમાં કપાસનો ભાવ 10000 ઐતિહાસિક સપાટીએ ગયો

બોડેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ ઉંચો ભાવ લેવા ધસારો કરતાં આવક વધી : મંગળવારે 246 વાહનો હરાજીમાં આવ્યા

બોડેલી બજાર સમિતિમાં છેલ્લા બે દિવસથી પ્રતિ ક્વિન્ટલ કપાસનો ભાવ 10,000 રૂપિયા સુધી બોલતા ઐતિહાસિક ભાવ લેવા ખેડૂતોનો ધસારો વધતા આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ વર્ષે પ્રારંભથી જ કપાસનો ભાવ 7,000 રૂપિયાથી ઉપર રહ્યો છે. અને ક્રમશઃ ભાવમાં વધારો થતો રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી 9,000 ઉપર ભાવ ગયા પછી બે દિવસથી તો ઐતિહાસિક 10,000 રૂપિયા સુધી ભાવ પડતાં ખેડૂતો હરખાઈ ઉઠ્યા છે.

અત્યાર સુધી 4 આંકડામાં પડતો ભાવ પ્રથમ વખત જ 5 આંકડામાં ભાવ પડતાં વેપારીઓ પણ હરાજીમાં ઉત્સાહ ભેર ખરીદી કરી રહ્યા છે. ભાવમાં ઉછાળો આવતાં આવકમાં પણ વધારો થયો છે. સોમવારે 193 વાહનો આવ્યા હતા. ત્યારે મંગળવારે 246 વાહનો હરાજીમાં આવ્યા હતા. સીઝનનો અત્યાર સુધી દોઢ લાખ ક્વિન્ટલ કપાસ આવ્યો છે. 2022ના નવા વર્ષના પ્રારંભે જ કપાસના વિક્રમી ભાવ બોલાતાં ખેડૂત આલમની ખુશીનો પાર રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...