બોડેલી પાસે અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતની હદમાં આવેલી મણીનગર સોસાયટીના પાછળના ભાગે લોખંડનો દરવાજો મૂકી માર્ગ બંધ કરાયો હતો. જે માટે પંચાયત દ્વારા અવારનવાર રસ્તો ખોલી નાખવા માટે લેખિત જાણ કરવા છતાં સોસાયટી વાળાઓએ રસ્તો ખુલ્લો ન કરતા છેવટે પંચાયત દ્વારા જેસીબી મશીન લગાવી મણીનગરનો બે વર્ષથી લગાવાયેલો ગેટ ઉખેડી નાખીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
કોરોના સમયે અલીખેરવા પંચાયતની બે સોસાયટી મણીનગર અને જન કલ્યાણમાં લોખંડના ગેટ મૂકી રસ્તો બંધ કરાયો હતો. ત્યાર પછી પંચાયતે રસ્તો ખુલ્લો કરવા બન્ને સોસાયટીના વહીવટ કર્તાઓને લેખિત જાણ કરી રસ્તો ખુલ્લો કરવા કહ્યું હતું. ચૂંટણી પહેલાંથી ગેટ ખુલ્લો કરવા માટે જાણ કરાઈ હતી પણ રસ્તો ખુલ્લો થયો ન હતી.
છેવટે સોમવારે બોડેલી પોલીસ અને તાલુકા અધિકારીની ઉપસ્થિતિમાં પંચાયતે મણીનગર સોસાયટીનો ગેટ ખોલ્યો હતો. જોકે રાતે ફરી સોસાયટીવાળાઓએ ગેટ લોક કરી દીધો હતો. મંગળવારે પંચાયતના સરપંચ, ડે. સરપંચ તલાટી વિગેરે જેસીબી મશીન લઈને ત્યાં જઈને ગેટ ઉખેડી કાઢી લઈ જવાયો હતો. લગભગ બે વર્ષથી બંધ રસ્તો ખુલ્લો થતાં આસપાસના રહીશોએ પંચાયતના નિર્ણયને આવકાર્યો હતો. હવે જન કલ્યાણ સોસાયટીનો બંધ ગેટ પણ ખુલ્લો કરવા માટે નોટિસ અપાઈ છે. જો તેને ખુલ્લો નહીં કરાય તો કાયદેસરની કાર્યવાહી કરાશેનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.