ભાસ્કર વિશેષ:જિલ્લામાં પ્રકાશના પર્વની ઉજવણીનો થનગનાટ

જબુગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બજારમાં નવા કપડાની ખરીદી કરવા લોકો ઉમટી રહ્યા છે. - Divya Bhaskar
બજારમાં નવા કપડાની ખરીદી કરવા લોકો ઉમટી રહ્યા છે.
  • ઈર્ષા, અદેખાઈ, દ્વેષ વગેરે ભૂલી જવાનો અવસર એટલે દિવાળી પર્વ

પ્રકાશના પર્વ દિપાવલી પર્વનું કાઉન્ટ ડાઉન આસો સુદ અગિયારસથી શરૂ થઈ જાય છે. ત્યારે હર્ષોલ્લાસભેર પર્વને મનાવવા માટે સમગ્ર જિલ્લામાં લોકો તૈયારી અને ખરીદીમાં ઓતપ્રોત દેખાઈ રહ્યા છે. ચાલુ વર્ષે અતિભારે વરસાદના કારણે કપાસ, તુવેર, શાકભાજી સહિતના પાકોમાં જોઈએ તેવો ઊતારો ન મળતાં બોડેલીના બજારમાં જોઈએ તેવી રોનક જોવા મળતી નથી. જેથી મંદીનું ગ્રહણ મહદ અંશે જણાય છે. અંધકારને ઉજાસ તરફ લઈ જતા પર્વ દિવાળીમાં જેમ ઘરની સાફ-સફાઈ કરાય છે. તેમ મનમાં જામેલા વિવિધ પ્રકારના મેલને પણ સાફસુફ કરવાનો હોય છે.

જેમાં એકબીજા પ્રત્યેનો ગમો અણગમો વિસરીને સંબંધોના સુર રચવાનો હોય છે. ઈષૉ, અદેખાઈ, દ્રેષ વિગેરે ભૂલી જવાનો અવસર એટલે દિવાળી પર્વ સાથેનો નવા વર્ષનો પ્રારંભ અને તેની પર વિશ્વાસ વહેવારનો કલરફુલ ગેટ અપ કરવાનો હોય છે. હવે હાઈટેક યુગમાં દિવાળી વધુને વધુ ઝાકમઝોળ બનતી જાય છે. શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગૃહિણીઓ નાસ્તા બનાવવાનું મોટેભાગે પસંદ કરતી નથી. આવા સંજોગોમાં ઘર આંગણે દિવાળીમાં રંગોળી પણ પુરવાનું પરિવારજનો ભૂલી ગયા છે. ફટાકડાની આતશબાજી સાથે નવા વસ્ત્રો પહેરવાની પરંપરા હવે વિસરતી જાય છે.

લોકો હવે કોરોના કહેરને ભૂલીને ઉત્સવની ઉજવણી કરી જીવનને આનંદમય બનાવવા મથામણ કરી રહ્યા છે. દિવાળી નજીક આવે એટલે ઘરમાં કામની શરૂઆત થઈ જતી હોય છે. સૌ પ્રથમ સ્ત્રીઓ ઘરની સાફ-સફાઈ આદરતી હોય છે. આખા ઘરની સાફ-સફાઈ થઈ ગયા બાદ દિવાળીના સામાનની ઘરના સભ્યો માટે નવા કપડાની ખરીદી થતી હોય છે. ઘરની સજાવટ માટે નવી વસ્તુની ખરીદી થતી હોય છે. હિન્દુઓના તહેવારોનો રાજા ગણાતા દિવાળીનો ઉત્સવ નવા વસ્ત્રો, ઘરની સાફ-સફાઈ, રંગ રોગાન, રંગોળી, મીઠાઈ ઉપરાંત ફટાકડા વિના ફિક્કો ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...