ચૂંટણી:સુખરામ રાઠવાનો હુંકાર, હજી ઘરડો નથી થયો,ચૂંટણી લડીશ

બોડેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી નહીં લડવાના ફરતા થયેલા મેસેજને અફવા ગણાવી
  • છોટાઉદેપુરમાં​​​​​​​ કોંગ્રેસના 2 નેતા પુત્રની ટિકિટ માટે મેદાને

છોટાઉદેપુર જિલ્લાની 3 વિધાનસભા બેઠકો પૈકી પાવીજેતપુર અને છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસમાં ઉમેદવારી માટે ઘમાસાણ સર્જાયું છે. દરમિયાન સુખરામ રાઠવા ચૂંટણી નહિ લડવા માગતો અંગેનો મેસેજ ફરતાે થયો હતો. જેનું ખંડન કરીને આગામી વિધાનસભાની ચૂંટણી ચોક્કસ લડીશ, તેવો હુંકાર સુખરામ રાઠવાએ કરીને વિવાદને વધુ ઘેરો બનાવ્યો હતો.

રાજ્યસભાના સભ્ય નારણ રાઠવાએ થોડાક દિવસ અગાઉ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, હું આગામી કોઈ ચૂંટણી લડવાનો નથી. મોહનસિંહ રાઠવા પણ નિવૃત્તિ જાહેર કરી ચૂક્યા છે. ત્યારે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ ઉંમર જોતાં નિવૃત્તિ જાહેર કરવી જોઈએ તેવી સલાહ આપી નારણ રાઠવાએ કહ્યું કે, છોટાઉદેપુર બેઠક પર મારા પુત્ર સંગ્રામસિંહ રાઠવાને ટિકિટ મળે અને પાવીજેતપુર બેઠક પર મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ મળે તેવું કહીને યુવાનોને આગળ કરવાનું કહ્યું હતું. છોટાઉદેપુર બેઠક માટે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા તેમના પુત્રને ટિકિટ અપાવવા મેદાને પડ્યા છે.

આવા સંજોગોમાં સુખરામ રાઠવાએ નિવૃત્તિ લીધી હોવાનો મેસેજ ફરતો થતાં જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો. સુખરામ રાઠવાએ બોડેલી રેસ્ટ હાઉસમાં પ્રેસ મીટિંગ યોજી પોતે ચૂંટણી લડવા સક્ષમ હોવાનું કહી ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો હતો. હું ઘરડો થયો નથી, તેમ કહીને નારણ રાઠવાને આડકતરો ટોણો માર્યો હોવાનું લાગી રહ્યું છે. હવે છોટાઉદેપુર બેઠક પર નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા તેમના પુત્ર માટે ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા પછી હજી સિલસિલો ચાલુ રહે તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...